સોમનાથના આંગણે સ્વાભિમાન પર્વનો મંગલ પ્રારંભ,રાજકોટથી વિશેષ ટ્રેન દ્વારા સોમનાથ પહોંચ્યા હજારો શિવભક્તો
- જય સોમનાથ, હર હર ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યું સમગ્ર સ્ટેશન પરિસર - એક હજાર વર્ષના સંઘર્ષ અને આસ્થાના વિજયની ગાથાને યાદ કરી શ્રદ્ધાળુઓ થયા ભાવવિભોર સોમનાથ,08 જાન્યુઆરી (હિ.સ.) ભારતીય સંસ્કૃતિના રાષ્ટ્રીય સ્વાભિમાન અને અજેય આસ્થાના પ્રતીક સમાન
સોમનાથ મંદીર


- જય સોમનાથ, હર હર ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યું સમગ્ર સ્ટેશન પરિસર

- એક હજાર વર્ષના સંઘર્ષ અને આસ્થાના વિજયની ગાથાને યાદ કરી શ્રદ્ધાળુઓ થયા ભાવવિભોર

સોમનાથ,08 જાન્યુઆરી (હિ.સ.) ભારતીય સંસ્કૃતિના રાષ્ટ્રીય સ્વાભિમાન અને અજેય આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજ 8 જાન્યુઆરી,થી 11 જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે. આ મહોત્સવ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ સોમનાથના એક હજાર વર્ષના સંઘર્ષ, બલિદાન અને પુનઃનિર્માણની અપ્રતિમ ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે.

આ પર્વમાં જોડાવા માટે રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોથી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે. જેના ભાગરૂપે આજે રાજકોટથી વિશેષ ટ્રેન સોમનાથ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. 'હર હર ભોલે' અને 'જય સોમનાથ'ના ગગનભેદી નાદથી સમગ્ર સ્ટેશન પરિસર ગૂંજી ઉઠ્યું હતું.

સોમનાથનો ઇતિહાસ એ વિનાશ સામે સર્જનના વિજયની કથા છે. 1026માં મહમદ ગઝનવીના આક્રમણથી લઈને સદીઓ સુધી વિદેશી આક્રમણખોરોએ આસ્થાના આ કેન્દ્રને ખંડિત કરવા પ્રયાસો કર્યા, પરંતુ દરેક વખતે ભારતવર્ષના વીરોએ પોતાના રક્તથી આ ધરતીનું રક્ષણ કર્યું છે. આ પર્વ દ્વારા હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલ જેવા અગણિત શહીદોના બલિદાનને અંજલિ આપવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ માટે આ માત્ર દર્શન નથી, પણ પૂર્વજોના સંઘર્ષની સ્મૃતિ પણ છે.

દીપકભાઈ દવે(રાજકોટ)

અમે માત્ર ટ્રેનમાં બેસીને દર્શન કરવા નથી આવ્યા, અમે અમારા ગૌરવશાળી ઇતિહાસને નમન કરવા આવ્યા છીએ. સોમનાથ પર થયેલા અનેક આક્રમણો છતાં આજે આ ભવ્ય શિખર ઊભું છે, તે આપણી સંસ્કૃતિની જીવંતતા દર્શાવે છે. સરકારના આ 'સ્વાભિમાન પર્વ'ના આયોજનથી અમને સોમનાથના 1000 વર્ષના સંઘર્ષની ગાથામાં સહભાગી થવાનો જે અવસર મળ્યો તે અલૌકિક છે.

દેવાંગ જાની (યુવાન શ્રદ્ધાળુ-સુરેન્દ્રનગર)

રાજકોટથી સીધી ટ્રેન મળતા અમારો માર્ગ સરળ થયો, સરદાર પટેલે જે રીતે આ મંદિરનું નવસર્જન કર્યું અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે તેને વિશ્વસ્તરીય બનાવી રહ્યા છે, તે જોઈને લાગે છે કે આપણું સ્વાભિમાન આજે સાચા અર્થમાં સન્માનિત થવા જઈ રહ્યું છે.

જગદીશ પરમાર (રાજકોટ)

અહીં સ્વાભિમાન પર્વમાં જોડાઈને અનુભવ્યું કે સોમનાથ માટે કેટલા લોકોએ બલિદાન આપ્યા છે. ટ્રેનની સુવિધા આપીને સરકારે અમને આ મહાન વારસા સાથે જોડવાની જે તક આપી છે તે બદલ અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ સરકારના આભારી છીએ.

ઉલ્લેખનીય છે કે, આગામી ત્રણ દિવસ સુધી સોમનાથ ખાતે વિવિધ કાર્યક્રમો દ્વારા સોમનાથની પૌરાણિક ગાથા રજૂ કરવામાં આવશે. 11 જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં અમદાવાદ, સુરત અને વડોદરાથી પણ શ્રદ્ધાળુઓ વિશેષ ટ્રેન મારફતે સોમનાથના સાનિધ્યમાં ઉમટી પડશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande