
સોમનાથ,08 જાન્યુઆરી (હિ.સ.) ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના કેન્દ્રસમાન સોમનાથ મંદિરનો ઇતિહાસ અડગ શ્રદ્ધા અને અવિરત પુનર્નિર્માણની અપ્રતિમ કહાની છે. દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવતું આ પવિત્ર ધામ સદીઓથી ભારતીય અસ્મિતાનું રક્ષક રહ્યું છે.
સોમનાથ મંદિરની ભવ્યતા અને સમૃદ્ધિ જ પ્રાચીન સમયમાં આક્રમણખોરો માટે આકર્ષણનું કારણ બની હતી.
ઈ.સ. 1025–26માં અફઘાનિસ્તાનના ગઝની પ્રાંતના સુલતાન મહમદ ગઝનવીએ સોમનાથ પર તેનું સૌથી વિનાશક આક્રમણ કર્યું હતું. તે સમયે સોમનાથ અતિ સમૃદ્ધ ધાર્મિક કેન્દ્ર હતું, જેને લૂંટવા માટે ગઝનવીએ રણપ્રદેશના કઠિન માર્ગો પાર કર્યા હતા. સ્થાનિક શાસકો અને પ્રજાએ વીરતાપૂર્વક પ્રતિકાર કર્યો, પરંતુ ગઝનીએ મંદિરને ભારે નુકસાન પહોંચાડી સંપત્તિની લૂંટ ચલાવી. તેમ છતાં, ગઝની આસ્થાને ખતમ કરવામાં નિષ્ફળ રહ્યો. તેના ગયા બાદ તુરંત જ ચૌલુક્ય (સોલંકી) શાસકોએ મંદિરનું પુનઃનિર્માણ કરી સંસ્કૃતિને જીવંત રાખી હતી.
ભારતની આઝાદી બાદ સોમનાથ મંદિરનું નવસર્જન એ રાષ્ટ્રીય આત્મગૌરવનો વિષય બન્યો હતો. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે 1947માં મંદિરને તેના મૂળ ગૌરવ સાથે પુનઃનિર્મિત કરવાનો સંકલ્પ કર્યો. તેમના માર્ગદર્શન હેઠળ પ્રખ્યાત શિલ્પકાર પ્રભાશંકર સોમપુરાએ પરંપરાગત ચાલુક્ય શૈલીમાં ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું. ઈ.સ. 1951માં પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે જ્યારે મંદિરનું લોકાર્પણ થયું, ત્યારે તેમણે તેને ભારતની સાંસ્કૃતિક પુનર્જાગૃતિનું પ્રતીક ગણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા બાદ સોમનાથના વિકાસમાં એક નવો આધુનિક અધ્યાય શરૂ થયો છે. તેમના દૂરંદેશી આયોજન હેઠળ મંદિર પરિસરને વૈશ્વિક કક્ષાનું પર્યટન સ્થળ બનાવવામાં આવ્યું છે.
શ્રદ્ધાળુઓ માટે ડિજિટલ દર્શન, સુરક્ષા અને સુવિધાઓમાં અભૂતપૂર્વ વધારો કરાયો છે.
પ્રોમેનાડ (વોક-વે): સમુદ્ર કિનારે બનેલો સુંદર પદયાત્રી માર્ગ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
ટેકનોલોજી: ભવ્ય 'લાઈટ એન્ડ સાઉન્ડ શો' દ્વારા ઇતિહાસને જીવંત રાખવાના પ્રયાસો થયા છે.
સંરક્ષણ: દરિયાઈ ક્ષાર અને કાટથી મંદિરને બચાવવા માટે વિશેષ તકનીકી પગલાં લેવામાં આવ્યા છે.
આજે સોમનાથ મંદિર એ પરંપરાગત મૂલ્યો અને આધુનિક વિકાસના સુમેળનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બનીને વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને રાષ્ટ્રીય આત્મગૌરવનું જીવંત પ્રતીક બનીને ઊભું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ