
વડોદરા,01 ઓકટોબર (હિ.સ.) હવે નવરાત્રિને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓ તૈયારીમાં પડી ગયા છે. ચણિયા ચોળી,જ્વેલરી માર્કેટમાં લોકો પડાપડી કરી રહ્યા છે. ગરબાની રમઝટ બોલાવવા માટે યુવાનો અત્યારથી જ તૈયારીઓમાં લાગી ગયા છે.
દર વર્ષની જેમ આ વરસે પણ વડોદરા શહેરની નવરાત્રિ સમગ્ર વિશ્વમાં તેની ભવ્યતા અને સંસ્કૃતિ માટે પ્રસિદ્ધ છે. આ વર્ષે પણ નવરાત્રિ નજીક આવતા જ યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ સાથે જુદા જુદા ગરબાના આયોજકો દ્વારા પણ તમામ ગરબા ગ્રાઉન્ડ્સ સજ્જ કરવામાં આવી રહ્યા છે. યુનાઈટેડ વે ઓફ બરોડા અને વીએનએફમાં એકસાથે 45 હજાર ખેલૈયાઓ બૂમ પડાવશે. જ્યારે લક્ષ્મી વિલાસ પેલેસના ગરબા મહોત્સવમાં 22 હજારમાં વીવીઆઈપી 'કાર પૂલ કોમ્બો અને 15 હજારમાં 'રોયલ ગરબા'ની ખેલૈયાઓ મજા માણશે. જ્યારે વિવિધ ગરબા મહોત્સવમાં થીમ પણ આ વખતે આકર્ષણનું કેન્દ્ર બનશે.
અટલાદરા સ્થિત એમ.એમ.પટેલ ફાર્મમાં આયોજિત 'યુનાઈટેડ વે ઓફ બરોડા'માં અતુલ પુરોહિતના તાલે દરરોજ 40,000થી વધુ ખેલૈયાઓ રમશે. જેમાં સંપૂર્ણ ડિજિટલ પ્રવેશ અને ઓનલાઈન ઈ-પાસ સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે. પાસનું રજિસ્ટ્રેશન અને બુકિંગ પ્રક્રિયા તેમની અધિકૃત વેબસાઈટની સાથે મોબાઈલ એપ મારફતે સંપૂર્ણપણે ઓનલાઈન રાખવામાં આવ્યું છે. ખેલૈયાઓએ ઓનલાઈન ફોર્મ ભરી પોતાનું આઈડી પ્રૂફ અને પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ પણ અપલોડ કરવાનો છે.
યુનાઈટેડ વે ઑફ બરોડાના પ્રમુખ તારક પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે વાતાવરણ સારું છે, જેથી સરસ ગરબા થવાની આશા છે. હાલ ગ્રાઉન્ડ પર ઘાસ પથરાઈ ગયું છે અને ડેકોરેશનનું કામ ચાલી રહ્યું છે. રજીસ્ટર્ડ થયેલા લોકોએ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જેમાં તેમનો ઈ-પાસ આવશે. ફોનમાં ઈ-પાસ સ્કેન કરાવી જ પ્રવેશ મેળવી શકાશે. આ એપ્લિકેશન દ્વારા ખેલૈયાઓ સાથે સરળતાથી સંપર્ક જાળવી શકાશે, જે ગરબા પછી પણ કમ્યુનિકેશન માટે ઉપયોગી રહેશે. આ ઉપરાંત, બોયઝ માટેનું રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું છે, જ્યારે ગર્લ્સ માટેનું રજીસ્ટ્રેશન પૂર્ણ થવાના આરે છે.
વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા મહોત્સવમાં સચિન લિમાયે અને અશિતા લિમાયે પોતાના સુર રેલાવશે. અહીં દરરોજ 30,000થી વધુ ખેલૈયાઓ ઘૂમતા હોય છે. જેના માટે ઓનલાઈન પાસનું બુકિંગ પૂરજોશમાં શરૂ થઈ ગયું છે, જેમાં આ વર્ષે 22,500ની કિંમતનો ‘Car Pool Combo’ પાસ ગરબા પ્રેમીઓમાં વિશેષ આકર્ષણ જમાવી રહ્યો છે. આ ખાસ કોમ્બો પાસ ખરીદનારને 2 પુરુષ અને 2 મહિલા ખેલૈયાઓ માટે આખા 9 દિવસ ગરબા રમવાનો સિઝન પાસ મળશે. તેમજ પેલેસના નિયુક્ત વિસ્તારમાં 1 કાર માટેની ખાસ પાર્કિંગ સુવિધા પણ આપવામાં આવશે.
લક્ષ્મી વિલાસ પેલેસમાં આયોજિત ગરબા માત્ર રમવા માટે જ નહીં, પણ તેના રોયલ અનુભવ માટે પણ જાણીતા છે. આ વર્ષે આયોજકો દ્વારા ખાસ ‘Utsav-The Royal Garba Experience’ પાસ રજૂ કરવામાં આવ્યા છે, જેની એક ટિકિટનો ભાવ 10,620 રૂપિયાથી શરૂ થઈ 14,750 રૂપિયા સુધી પહોંચે છે. આ પાસ સામાન્ય ટિકિટ કરતા સાવ અલગ છે અને ગરબા રસિકોને એક એકસક્લુસિવ રોયલ અનુભવ પૂરો પાડશે.
ગરબાના આ મંચ પરથી સામાજિક જવાબદારીના ભાગરૂપે આ વર્ષે ‘અંગદાન જાગૃતિ’ થીમ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ગ્રાઉન્ડ પર લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ સેલ્ફી ઝોન અને પ્રોપ્સ તૈયાર કરવામાં આવશે. ગરબા માટેનું ગ્રાઉન્ડ એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. જો વરસાદ પડશે તો પણ ગણતરીના સમયમાં જ ગ્રાઉન્ડમાંથી પાણી નીકળી જશે અને ગરબા કરી શકાશે. વરસાદનું વિઘ્ન ખેલૈયોયાઓની મઝા નહીં બગાડે
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ