




- પદયાત્રીઓને નારિયેળ પાણી પીવડાવ્યા બાદ જાહેર માર્ગ પર ફેંકાતાં નારિયેળ વાહનચાલકો માટે જોખમી બન્યાં; પ્રાંત અધિકારીની કેમ્પ સંચાલકોને સ્વચ્છતા જાળવવા અપીલ
કચ્છ, 10 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છમાં મા આશાપુરાના દર્શનાર્થે જતા પદયાત્રીઓની સેવા માટે ઠેરઠેર સેવાકેમ્પો કાર્યરત છે. સેવાભાવી લોકો પદયાત્રીઓને પાણી, નાસ્તો અને નારિયેળ પાણી સહિતની સુવિધાઓ પૂરી પાડીને પુણ્યનું કાર્ય કરી રહ્યા છે. જોકે, સેવાના આ ઉમદા કાર્ય વચ્ચે જાહેર માર્ગ પર ફેંકવામાં આવતાં ખાલી નારિયેળ હવે અકસ્માતના જોખમને આમંત્રણ આપી રહ્યાં છે. નખત્રાણા વિસ્તારમાં સામે આવેલી આ સ્થિતિએ સેવા સાથે સ્વચ્છતા અને માર્ગ સલામતી જાળવવાની જરૂરિયાતને ફરી ઉજાગર કરી છે.
નખત્રાણાના વિશ્વકર્મા માર્કેટ નજીક પદયાત્રીઓને નારિયેળ પાણી પીવડાવ્યા બાદ કેટલાક લોકો દ્વારા ખાલી નારિયેળ જાહેર માર્ગ પર જ ફેંકી દેવામાં આવતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગ પર પડેલાં નારિયેળ સાથે બાઇકો અથડાવાની ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે અંધારામાં રસ્તા પર પડેલાં નારિયેળ સરળતાથી નજરે ન ચડતાં પદયાત્રીઓ અને વાહનચાલકો બંને માટે અકસ્માતનું જોખમ વધી શકે છે.
ઝડપથી આવતું બાઇક કે અન્ય વાહન નારિયેળ સાથે અથડાય તો ચાલકનું સંતુલન ખોરવાઈ શકે છે અને ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા નકારી શકાય નહીં. મા આશાપુરાના ભક્તોની સેવા કરવી એ પ્રશંસનીય કાર્ય છે, પરંતુ આ સેવા દરમિયાન સર્જાતી બેદરકારી કોઈના જીવને જોખમમાં મૂકે તે યોગ્ય નથી. તેથી નારિયેળનાં છોતરાં અને અન્ય કચરાના નિકાલ માટે દરેક કેમ્પમાં યોગ્ય વ્યવસ્થા કરવી અત્યંત જરૂરી છે.
આ જ બાબતને ધ્યાનમાં રાખીને કચ્છના મદદનીશ કલેક્ટર ઉત્કર્ષ ઉજ્જવલ (IAS) દ્વારા તમામ પદયાત્રી સેવા કેમ્પોના સંચાલકોને સ્વચ્છતા જાળવવા ખાસ અપીલ કરવામાં આવી છે. દરેક કેમ્પની અંદર તેમજ તેની આસપાસના 100 મીટરના વિસ્તારમાં નિયમિત સફાઈ કરાવી સ્વચ્છતા જળવાય તેની ખાતરી કરવા જણાવાયું છે.
વહીવટીતંત્ર દ્વારા પદયાત્રા પૂર્ણ થયા બાદ સૌથી વધુ સ્વચ્છતા જાળવનારા પાંચ શ્રેષ્ઠ કેમ્પોની પસંદગી કરીને તેમના સંચાલકોને સન્માનિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
મા આશાપુરા પ્રત્યેની સાચી ભક્તિ માત્ર પદયાત્રીઓની સેવા કરવામાં જ નહીં, પરંતુ તેમની યાત્રા સુરક્ષિત બને અને માતાની પાવન ભૂમિ સ્વચ્છ રહે તેની કાળજી રાખવામાં પણ છે. સેવા સાથે સ્વચ્છતા અને સલામતી જળવાય તો જ આ ભક્તિકાર્યનું સાચું મહત્ત્વ જળવાઈ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar