
ભાવનગર, 11 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર બસ સ્ટેશન ખાતે ગ્રામ્ય સ્વસહાય જૂથોની બહેનોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી શરૂ કરાયેલા ‘ગ્રામ હાટ’નું જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવાના હસ્તે રિબીન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પહેલથી સ્થાનિક સખી મંડળોની બહેનોને પોતાની કલા, કૌશલ્ય અને સર્જનાત્મકતાના આધારે તૈયાર કરેલી વસ્તુઓના વેચાણ માટે બજાર ઉપલબ્ધ બનશે.
આ પ્રસંગે અશોકભાઈ લાધવાએ જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા અને ગ્રામ્ય વિસ્તારની બહેનોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે રાજ્યભરમાં ગ્રામ હાટ શરૂ કરવામાં આવ્યા છે. ગત રોજ રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં આ પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
તેમણે સ્થાનિક નાગરિકો અને મુસાફરોને ગ્રામ હાટમાંથી વસ્તુઓ ખરીદવા અપીલ કરી હતી. સ્થાનિક બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓની ખરીદી કરીને ‘લોકલ ફોર વોકલ’ના મંત્રને સાકાર કરવા અને બહેનોને આર્થિક રીતે સશક્ત બનાવવામાં સહભાગી બનવા જણાવ્યું હતું. ગ્રામ હાટમાં રોજિંદા જીવનમાં ઉપયોગી વિવિધ ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) અંતર્ગત સ્વસહાય જૂથોની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવતી, હસ્તકલાની વસ્તુઓ સહિતની વિવિધ ચીજવસ્તુઓના વેચાણ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉદ્ઘાટન બાદ ઉપસ્થિત મહાનુભાવોએ ગ્રામ હાટની મુલાકાત લઈને વસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું.
કાર્યક્રમમાં ભાવનગર મહાનગરપાલિકાના મેયર ઉષાબેન તલરેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક જયશ્રીબેન જરુ, ભાવનગર એસ.ટી.ના વિભાગીય નિયામક આર.ડી. પીલવાઈકર, જિલ્લા લાઇવલીહૂડ મેનેજર, જિલ્લા અને તાલુકા પંચાયતના કર્મચારીઓ તથા સખી મંડળોની બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA