
જામનગર, 11 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા અને ગટર સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે સફાઈ વ્યવસ્થાનું કડક નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. આ મુલાકાત દરમિયાન વોર્ડ નંબર 10ના વિવિધ વિસ્તારોમાં જોવા મળેલી ગંદકી અને પબ્લિક ન્યુસન્સ બદલ એક બેકરી સંચાલકને રૂ. 10 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
મહાપાલિકા કમિશનરે આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા તેમજ સોલિડ વેસ્ટ શાખા, ભૂગર્ભગટર શાખા અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓની ટીમ સાથે વોર્ડ નંબર 10માં ઓચિંતી મુલાકાત લીધી હતી. આ દરમિયાન શાકમાર્કેટ વિસ્તાર, ભોઇવાડો અને મોટા આશાપુરા ચોક સહિતના વિસ્તારોમાં સ્થળ પર જઈને રોડ-રસ્તાઓની સફાઈ તેમજ કચરાના નિકાલની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી.
તપાસ દરમિયાન કમિશનરે કચરાના નિકાલ અને ભૂગર્ભગટરને લગતી સમસ્યાઓ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. સફાઈમાં નિષ્કાળજી અથવા ગટર સંબંધિત કોઈ પણ પ્રશ્નો જણાય ત્યાં વિલંબ કર્યા વિના તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરી સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવા સંબંધિત શાખાઓને કડક તાકીદ કરવામાં આવી હતી.
આ મુલાકાતમાં વોર્ડ નંબર 10ના સ્થાનિક નગરસેવકો સંજય દાઉદિયા અને નિલેશ હાડા સહિતના સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા. કમિશનરે સ્થળ પર જ સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ સાથે સીધો સંવાદ સાધીને તેમની રોજિંદી મુશ્કેલીઓ અને પ્રશ્નો સાંભળ્યા હતા.
સંવાદ દરમિયાન કમિશનરે નાગરિકોને પોતાના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા અને જાહેર જગ્યાઓ પર કચરો ન ફેંકવા અપીલ કરી હતી. સાથોસાથ વેપારીઓ અને સ્થાનિકોને મહાનગરપાલિકાની સફાઈ ઝુંબેશમાં સક્રિય સહયોગ આપવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
શહેરની આરોગ્યપ્રદ અને સુઘડ સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે કમિશનરની આ સ્થળ મુલાકાતને ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. સફાઈ અને ગટરલક્ષી તમામ પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે તમામ સંબંધિત શાખાઓને સતત સક્રિય રહીને કામગીરી ચાલુ રાખવા આદેશ અપાયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt