


મહેસાણા, 11 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણામાં રવિવારે સવારે સ્વાસ્થ્ય અને ફિટનેસ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી ડોકરા સિટી રન મહેસાણા 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. ડોકરા સરદાર પટેલ રનિંગ ક્લબ દ્વારા યોજાયેલી આ દોડમાં યુવાનો, મહિલાઓ, વડીલો અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દોડનો પ્રારંભ રાધનપુર રોડ પર આવેલી ગોલ્ડન સ્ક્વેર ચોકડીથી થયો હતો. દોડ સી લિંક રોડ, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, સપન એક્ઝોટીકા અને 52ના નેળિયા પાસેથી પસાર થઈ હતી.
ક્લબ સાથે એક મહિનાથી જોડાયેલા અમિતભાઈ પટેલે જણાવ્યું કે, શરૂઆતમાં તેઓ આટલું દોડી શકશે તેવો વિચાર નહોતો, પરંતુ નિયમિત પ્રેક્ટિસથી હવે દોડી શકે છે. આ દોડમાં ભાગ લઈને તેઓ સ્વાસ્થ્ય માટે એક ડગલું આગળ વધ્યા છે.
ક્લબ સાથે દોઢ વર્ષથી જોડાયેલા રોહિતભાઈ ચૌધરીએ જણાવ્યું કે, દોડવાથી પોતાના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે અને આસપાસના લોકોને પણ પ્રેરણા મળી છે. કોચના પ્રયાસોથી ક્લબની પ્રવૃત્તિઓ અન્ય જિલ્લાઓ અને રાજ્યો સુધી પહોંચી છે.
ધર્મેશભાઈ પટેલે જણાવ્યું કે, એક મહિનાથી ક્લબ સાથે જોડાયા બાદ તેમને સ્વાસ્થ્યમાં ફાયદો અનુભવાયો છે. તેમણે મહેસાણામાં દોડવીરો માટે સિન્થેટિક ટ્રેક બનાવવાની માંગ કરી હતી. ક્લબ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી રનિંગની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR