
જામનગર, 15 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર નજીક નવનિર્મિત શેખપાટ ઔદ્યોગિક વસાહતમાં પ્લોટ મેળવવા ઇચ્છુક ઉદ્યોગસાહસિકો માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગાંધીનગર ખાતે કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો યોજીને 182 પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. 'બ્રાસ સિટી' તરીકે ઓળખાતા જામનગરના ઔદ્યોગિક વિકાસને આ ફાળવણીથી નવો વેગ મળશે. આ પ્રસંગે જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ અને ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના હોદ્દેદારો તથા અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડ્રોના સત્તાવાર આંકડા મુજબ શેખપાટ વસાહતમાં કુલ 1,96,201.28 ચોરસ મીટર ક્ષેત્રફળમાં પથરાયેલા વિવિધ કદના 182 ઔદ્યોગિક પ્લોટ ફાળવાયા છે. જેમાં જરૂરિયાત મુજબ 500 ચો.મી. સુધીના 54 પ્લોટ, 501 થી 1000 ચો.મી.ના 68 પ્લોટ, 1001 થી 1500 ચો.મી.ના 28 પ્લોટ, 1501 થી 2000 ચો.મી.ના 20 પ્લોટ અને 2001 થી 2999 ચો.મી. કેટેગરીના 12 પ્લોટનો સમાવેશ થાય છે. પારદર્શક ઓટીપી અને જનરલ સિલેક્શન પ્રક્રિયા દ્વારા સ્થાનિક તેમજ અન્ય જિલ્લાના લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોને પ્લોટ ફાળવવામાં આવ્યા છે.
'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ'ના સંકલ્પ હેઠળ સમગ્ર ગુજરાતના 14,853 ઔદ્યોગિક લાભાર્થીઓના બેંક ખાતામાં સિંગલ ક્લિક દ્વારા ₹1,100.19 કરોડની પ્રોત્સાહક સહાય જમા કરવામાં આવી હતી. આ ઉપરાંત એમએસએમઇ એકમો માટે પ્રોત્સાહનો મેળવવા માટેની ફરજિયાત બેંક લોનની શરત દૂર કરીને પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી છે. આ નિર્ણયથી ઉદ્યોગસાહસિકોને સહાય મેળવવામાં સરળતા રહેશે.
રાજ્યમાં પારદર્શક રીતે કુલ 407 ઔદ્યોગિક પ્લોટની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે મોટા ઉદ્યોગો તરફથી 346 થી વધુ રોકાણ દરખાસ્તો મળી છે, જેમાં અન્ય રાજ્યોમાંથી પરત ફરેલા 27 મેગા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. શેખપાટ જીઆઈડીસીમાં પ્લોટ ફાળવણીથી જામનગર પંથકમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હજારો યુવાનો તથા મહિલાઓ માટે રોજગારીની નવી તકો ઊભી થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt