
ભાવનગર, 15 ઓક્ટોબર (હિ.સ.) મોરારિબાપુના વ્યાસાસને કન્યાકુમારીથી પ્રારંભ થયેલી ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા નર્મદા નદીના પવિત્ર કિનારે આવેલા ૐકારેશ્વર અને મામલેશ્વર ધામમાં પહોંચી હતી. છઠ્ઠા દિવસની કથાના પ્રારંભે મોરારિબાપુએ, ૐકારેશ્વર, મામલેશ્વર અને રેવા નર્મદા મૈયાની વંદના કરી હતી.
‘મંગલ ભવન અમંગલ હારી’ ચોપાઈને કેન્દ્રમાં રાખીને યોજાઈ રહેલી આ કથામાં મોરારિબાપુએ સ્થાન મહાત્મ્યની સાથે ‘નવનાદ’નું આધ્યાત્મિક મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે શંખનાદ, વેણુનાદ, સિંહનાદ, મેઘનાદ અને ડમરૂનાદ સહિતના વિવિધ નાદનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, નવનાદમાં પ્રથમ ‘ૐકાર’ પ્રણવનાદ છે, જે ૐકારેશ્વરનો નાદ છે.
આ ઉપરાંત ભારતવર્ષના નવ નાથ, રામજન્મની નવમી તિથિ, નવરંગ, નવખંડ અને ભક્તિનાં નવ નિધિ જેવા દૃષ્ટાંતો દ્વારા ચિંતન રજૂ કરવામાં આવ્યું હતું.
કન્યાકુમારીથી શરૂ થયેલી આ રામકથા યાત્રા કાલડી, શૃંગેરી, હમ્પી અને તુલજાપુર થઈને ૐકારેશ્વર પહોંચી છે. ત્યારબાદ ઝાંસી, મથુરા, કુરુક્ષેત્ર, વાઘા સરહદ અને જમ્મુ થઈને 23મીએ કેદારનાથ તીર્થધામમાં યાત્રાનું સમાપન થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA