
પાટણ, 15 ઓક્ટોબર (હિ.સ.)પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) દ્વારા ઓક્ટોબર-ડિસેમ્બર 2026 સત્રની પરીક્ષાઓનો પ્રારંભ આગામી 22 ઓક્ટોબરથી કરવામાં આવશે. આ પરીક્ષાઓમાં સ્નાતક કક્ષાના સેમેસ્ટર-5 અને અનુસ્નાતક કક્ષાના સેમેસ્ટર-3ની વિવિધ શાખાઓની અંદાજે 30 પરીક્ષાઓ યોજાશે. સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી આશરે 50,000 વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓમાં ભાગ લેશે. પરીક્ષાઓને લઈને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
યુનિવર્સિટીના પરીક્ષા નિયામક મિતુલ ડેલિયાએ જણાવ્યું હતું કે, વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષાઓ માટે આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષાર્થીઓને સમયસર જરૂરી માહિતી મળી રહે તે માટે પરીક્ષાના કાર્યક્રમો અને ટાઈમટેબલ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, તમામ પરીક્ષાર્થીઓના બેઠક નંબર પણ જાહેર કરી દેવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલાં પોતાની વિગતો ચકાસી શકે અને પરીક્ષા કેન્દ્ર અંગેની તૈયારી કરી શકે.
પરીક્ષા નિયામકના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓની હોલ ટિકિટ આગામી એકથી બે દિવસમાં ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી પરીક્ષાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી પોતાની હોલ ટિકિટ મેળવી શકશે. હાલમાં યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓને લગતી વહીવટી અને વ્યવસ્થાકીય તૈયારીઓ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લેવાના હોવાથી પરીક્ષા પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે યુનિવર્સિટી તંત્ર દ્વારા જરૂરી આયોજન કરવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ