મોરબીમાં ગુરુવારે કોંગ્રેસની ખેડૂત આક્રોશ મહાસભા : રાજકોટ ખાતે જાહેરાત
રાજકોટ, 19 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાતમાં ખેડૂતોની પડતર માંગણીઓ અને વિવિધ પ્રશ્નોને લઈને રાજકારણ ગરમાયું છે. આગામી 22 ઓક્ટોબરે મોરબી ખાતે કોંગ્રેસ દ્વારા ''ખેડૂત આક્રોશ મહાસભા''નું આયોજન કરવામાં આવ્યું છે. સિંચાઈ માટે પાણી આપવું, વીજપોલના પ્રશ્નો
રાજકોટ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદ


રાજકોટ, 19 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાતમાં ખેડૂતોની પડતર માંગણીઓ અને વિવિધ પ્રશ્નોને લઈને રાજકારણ ગરમાયું છે. આગામી 22 ઓક્ટોબરે મોરબી ખાતે કોંગ્રેસ દ્વારા 'ખેડૂત આક્રોશ મહાસભા'નું આયોજન કરવામાં આવ્યું છે. સિંચાઈ માટે પાણી આપવું, વીજપોલના પ્રશ્નો ઉકેલવા અને સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા સહિતની માંગો મુદ્દે યોજાનારી આ સભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, ગેનીબેન ઠાકોર અને પરેશ ધાનાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે અને 20 હજારથી વધુ ખેડૂતો ભેગા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ ખાતે આજે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરવામાં આવી છે.

આ વર્ષે સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ થયો હોવાથી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે, જેને કારણે સૌરાષ્ટ્રના જિલ્લાઓને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. સરકારે માત્ર પીવાના પાણીની નીતિ મર્યાદિત ન રાખતા 'સૌની યોજના' મારફતે ખેડૂતોને સિંચાઈ માટે તાત્કાલિક પાણી પૂરું પાડવું જોઈએ. આ ઉપરાંત ભાદર-2 ડેમનું પાણી પીવાલાયક ન હોવા છતાં ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં ન આવતું હોવાના કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

ગ્રીન કોરિડોર પ્રોજેક્ટમાં રીબડાથી એરપોર્ટ સુધી ખેડૂતોની જમીનો સસ્તા ભાવે લેવામાં આવતી હોવાનો અને નેતાઓના કારખાના કે જમીનો બચાવવા માટે પ્રોજેક્ટનું એલાઈમેન્ટ વારંવાર બદલવામાં આવતું હોવાનો આક્ષેપ કરાયો છે. આ સાથે ખેતરોમાં દાદાગીરીથી વીજપોલ નાખીને જમીનો નકામી બનાવી દેવાતી હોવાની રજૂઆત કરાઈ છે. સાંજે 4થી સવારે 4 વાગ્યા સુધી રહેતા વીજકાપને લીધે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે, જેથી વીજપોલ અને વળતર મુદ્દે ચાલતા આંદોલનને સમર્થન જાહેર કરાયું છે.

રાજ્યમાં જૂની પાકવીમા યોજના ફરીથી શરૂ કરવાની અને પેન્ડિંગ વળતરના કેસોનો તાત્કાલિક નિકાલ લાવવાની માંગ મુકવામાં આવી છે. દુષ્કાળની સ્થિતિને પગલે ઘાસચારાની અછત ઊભી થઈ હોવાથી પશુપાલકો અને ખેડૂતોને આર્થિક સહાય આપવાની જરૂરિયાત દર્શાવી છે. ખેડૂતોને ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચેનો તફાવત સીધો બેંક ખાતામાં મળી રહે તે માટે મધ્યપ્રદેશની તર્જ પર ગુજરાતમાં પણ 'ભાવાંતર યોજના' લાગુ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.

આ વર્ષે મગફળીનું ઉત્પાદન ઓછું થવાથી ઓપન માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવ કરતાં વધુ ભાવ મળી રહ્યા છે, જેના કારણે ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવનાર ખેડૂતોની સંખ્યા 25% ઘટી છે. જેથી ટેકાના ભાવની ખરીદી પાછળ થતો સરકારી ખર્ચ સીધો ખેડૂતોના ખાતામાં જમા કરાવવો જોઈએ. ખાતર અને દવાઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી ખેતી ખર્ચાળ બની છે, તેથી સરકાર દ્વારા તમામ કૃષિ પાક માટે વીમા સહાય યોજના સુનિશ્ચિત કરવામાં આવે તે જરૂરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande