જામનગરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉન પર એસઓજીનો દરોડો, રૂ.6.67 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
જામનગર, 19 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા તત્વો સામે સખત કાર્યવાહી કરવા આપેલી સૂચના અનુસાર, જામનગર Special Operations Group
ફટકડાનું ગેરકાયદે ગોડાઉન ઝડપાયું


જામનગર, 19 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા તત્વો સામે સખત કાર્યવાહી કરવા આપેલી સૂચના અનુસાર, જામનગર Special Operations Group (SOG) દ્વારા શહેર વિસ્તારમાં શનિવાર-રવિવારની રાત્રે ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે બેડેશ્વર વિસ્તારમાં આવેલ એક ગોડાઉન પર દરોડાની કામગીરી કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન બેડેશ્વર શક્તિ ફર્નિચરની બાજુમાં આવેલા છેલ્લે સ્થિત ગોડાઉનમાં જામજોધપુરના રબારી પાળો વિસ્તારના નિવાસી સચિન બચુભાઈ ભરાઈ નામના શખ્સે પાસ-પરમિટ કે લાયસન્સ વગર મોટા પ્રમાણમાં વિસ્ફોટક ફટાકડાનો સ્ટોક કરી રાખ્યો હોવાનું સામે આવ્યું હતું. ગોડાઉનમાં ફાયર સેફ્ટીના કોઈ પણ સાધનો જેવા કે પાણીની ડોલ કે સેન્ડ બકેટ પણ રાખવામાં આવ્યા ન હતા, જેનાથી લોકોની જિંદગી જોખમમાં મૂકાય તેવી ભારે બેદરકારી જોવા મળી હતી.

પોલીસ ટીમે સ્થળ પરથી અલગ-અલગ જાણીતી કંપનીઓ અને બ્રાન્ડના ફટાકડાના કુલ ૩૯૨ બોક્સ જપ્ત કર્યા છે, જેની કુલ અંદાજિત કિંમત ₹૬,૬૭,૮૩૦/- થાય છે. આ સાથે ગેરકાયદેસર સંગ્રહ કરાયેલા આ વિસ્ફોટક જથ્થાને કબ્જે કરીને સંબંધિત ગોડાઉનને પોલીસ દ્વારા સીલ કરી દેવામાં આવ્યું છે. આ સફળ કામગીરીથી ગેરકાયદેસર ફટાકડાનો વેપાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ મામલે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપી સચિન ભરાઈ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 125, 287, 288 અને એક્સપ્લોઝિવ એક્ટ-1884 ની કલમ 9(બી) હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે. SOG ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર વી.બી.ચૌધરી, PSI એલ.એમ.ઝેર, PSI એ.વી.ખેર અને તેમની ટીમ દ્વારા આ કેસમાં આગળની કાનૂની તપાસ ચલાવવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande