પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ : મોરારિબાપુ
ભાવનગર, 02 ઓક્ટોબર (હિ.સ.)સણોસરા સ્થિત ગોહિલવાડની સુપ્રસિદ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં રાત્રિ મુકામ દરમિયાન પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થનાસભામાં જાણીતા કથાકાર શ્રી મોરારિબાપુએ વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને ચ
વિધાર્થિનીએ સંદેશ આપવામાં આવ્યો


ભાવનગર, 02 ઓક્ટોબર (હિ.સ.)સણોસરા સ્થિત ગોહિલવાડની સુપ્રસિદ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં રાત્રિ મુકામ દરમિયાન પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થનાસભામાં જાણીતા કથાકાર શ્રી મોરારિબાપુએ વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને ચિંતન સંદેશો આપ્યો હતો.

શ્રી મોરારિબાપુએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, જીવનમાં કોઈપણ કાર્યનું પરિણામ મેળવવા માટે પુરુષાર્થ જરૂરી છે. પુરુષાર્થ સાથે પ્રાર્થના અને ત્યારબાદ યોગ્ય સમયની પ્રતીક્ષા રાખવામાં આવે તો પરિણામ પ્રગટ થશે જ. તેમણે યુવાનો સાથે સંવાદ અને તેમની સાથે વાત કરવાનું પોતાનું કાયમી લક્ષ્ય હોવાનું પણ જણાવ્યું હતું.

પ્રાર્થનાસભામાં શ્રી મોરારિબાપુએ રામચરિતમાનસના વિવિધ સંદર્ભો સાથે મહાત્મા ગાંધીજીનું સ્મરણ કર્યું હતું. ગાંધીજીના જીવન અને વિચારોનો ઉલ્લેખ કરતાં તેમણે સેવાકાર્યમાં પ્રાર્થનાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પ્રાર્થના વગર કરવામાં આવતી સેવામાં અહંકાર પ્રવેશી શકે છે. તેથી સેવા સાથે પ્રાર્થનાની ભાવના જાળવવી જરૂરી છે.

આ પ્રસંગે લોકભારતી સંસ્થા પરિવારના શ્રી ભૌતિકભાઈ લીંબાણી સાથે શ્રી અનુજભાઈ રામકબીર, ગૌતમભાઈ વિરાસ અને શ્રી ક્રિષ્નાબેન બારૈયાની સંગીત ટુકડી દ્વારા પ્રાર્થના ગાન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. પ્રાર્થનાસભામાં સંસ્થાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. મોરારિબાપુના ચિંતન સંદેશથી વિદ્યાર્થીઓને પુરુષાર્થ, પ્રાર્થના, સેવા અને ધીરજના જીવનમૂલ્યો અંગે પ્રેરણા મળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande