
નવસારી, 21 ઓક્ટોબર (હિ.સ.) લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજરોજ જલાલપોર તાલુકા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં તાલુકાના અરજદારો દ્વારા વિવિધ સરકારી વિભાગોને લગતા પ્રશ્નો અને રજૂઆતો રજૂ કરવામાં આવી હતી.
તાલુકા સ્વાગત કાર્યક્રમ દરમિયાન અરજદારો દ્વારા માર્ગ અને મકાન પેટા વિભાગ, સિંચાઇ પંચાયત વિભાગ, તાલુકા પંચાયત, માર્ગ અને મકાન વિભાગ પંચાયત સહિતના વિવિધ વિભાગોને લગતા કુલ 09 પ્રશ્નો રજુ થયા હતા. જિલ્લા કલેક્ટરએ અરજદારોની રજુઆતો તથા પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળી, સંબંધિત વિભાગન અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી. રજુ થયેલા તમામ પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજુ થતા અરજદારોના પ્રશ્નોને સંબંધિત અધિકારીઓએ ગંભીરતાપૂર્વક લઈને તેના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવાની સુચના આપી હતી. કલેક્ટરએ અધિકારીઓને અરજદારોની રજૂઆતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ રાખી, પ્રશ્નોના નિકાલમાં કોઈ વિલંબ ન થાય તે માટેની કાર્યવાહી કરાવા જણાવ્યું હતું.
બેઠકમાં નાયબ કલેકટર દ્ષ્ટિ શુકલા, જલાલપોર મામલતદાર મુણાલદાન ઇસરાની, તાલુકા વિકાસ અધિકારી પ્રકાશ પટેલ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે