
પોરબંદર, 21 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદરના રોકડિયા હનુમાન રમણપાર્ક વિસ્તારમાં મામાદેવના મંદિર પાસે આવેલા એક રહેણાક મકાનમાં ચાલતા જુગારના અખાડા પર ઉદ્યોગનગર પોલીસે દરોડો પાડ્યો હતો.પોલીસે સ્થળ પરથી ચાર શખ્સોને ઝડપી પાડી રોકડા રૂ. 23,350 અને ગંજીપાનાંનાં 52 પાનાં કબજે કર્યાં હતાં.
પોલીસની નોંધ મુજબ, ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. દરમ્યાન આરોપી ટમુબેન કડેગિયાના કબજાના મકાનમાં અન્ય સ્ત્રી-પુરુષોને બોલાવી તીનપત્તીનો જુગાર રમાતો હોવાની વિગતો સામે આવી હતી.મકાનમાં જુગાર રમાડીને નાલ ઉઘરાવવામાં આવતી હોવાનો પણ આક્ષેપ છે.
આ કેસમાં ટમુબેન નાગાજણભાઈ કડેગિયા (ઉંમર 59) , કાન્તાબેન ભીમાભાઈ વાજા (ઉંમર 45), ગોવિંદભાઈ સીદીભાઈ પીપરોતર (ઉંમર 65) અને રમેશ વાલજીભાઈ મોકરીયા (ઉંમર 56) સામે
જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ અંગે ઉદ્યોગનગર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya