



- માનદ કોન્સલ મૂકેશ પટેલની સફળ જાપાન યાત્રા સાંસ્કૃતિક અને આર્થિક ક્ષેત્રે સિસ્ટર-સ્ટેટ તથા સિસ્ટર-સિટી ભાગીદારી પર કેન્દ્રિત રહી
અમદાવાદ,22 ઓકટોબર (હિ.સ.) વર્ષ 2027માં ભારત-જાપાન રાજ્દ્રારી સંબંધોની 75મી વર્ષગાંઠની ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે, ત્યારે ગુજરાત અને જાપાન સંસ્કૃતિ, વેપાર અને લોકો વચ્ચેના પરસ્પર સંબંધોમાં સહયોગ વધુ મજબૂત કરવા માટે તૈયાર છે.
ગુજરાત અને જાપાન વચ્ચેના રાજ્દ્રારી, સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાના ઉદ્દેશ્યથી અમદાવાદ સ્થિત જાપાનના માનદ કોન્સલ મૂકેશ પટેલે, ઓક્ટોબર 2026માં, જાપાનનો એક મહત્વપૂર્ણ 7 દિવસનો પ્રવાસ ખેડ્યો હતો. ભારતમાં જાપાનના માનદ કોન્સલ તરીકેની આ ભૂમિકા નિભાવનાર પ્રથમ વ્યક્તિ એવા મૂકેશ પટેલના આ પ્રવાસે, વર્ષ 2027માં ભારત અને જાપાન વચ્ચેના રાજ્દ્રારી સંબંધોની 75મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી માટેના રોડમેપનો મજબૂત પાયો નાખ્યો છે.
આ ઐતિહાસિક મિશન દરમિયાન તેમણે ટોક્યો, શિઝુઓકા, હામામાત્સુ, હ્યોગો, કોબે અને ફુકુઓકા પ્રમુખ શહેરોની મુલાકાત લઈને જાપાનના ટોચના નેતાઓ, રાજ્દ્રારીઓ અને અગ્રણીઓ સાથે ફળદાયી બેઠકો યોજી હતી. જેનો ઉદ્દેશ્ય ગુજરાત-જાપાનના સંબંધોને વધુ ગાઢ બનાવવાનો અને ભવિષ્યના સહયોગને આગળ ધપાવવાનો હતો.
પ્રવાસની શરૂઆત કરતા તેમણે તેમના 30 મહિનાના કાર્યકાળની સમીક્ષા રજૂ કરી હતી અને ટોક્યો ખાતે ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર શરૂ કર્યો હતો. તેમણે ભારતીય રાજદૂત નગ્મા મલિક તેમજ જાપાનના વિદેશ મંત્રાલયના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ક્યોકો હોકુગો સાથે દ્રિપક્ષીય સહયોગ અંગે અર્થપૂર્ણ ચર્ચાઓ કરી હતી.
ભારતમાં જાપાનના પૂર્વ રાજદૂત હિદેકી દોમિચી સાથે મુલાકાત કરી હતી કે જેમણે, ગુજરાતની વિકાસલક્ષી ગાથામાં જાપાનને ભાગીદાર દેશ તરીકે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ઉપરાંત તેમણે શિઝુઓકા અને હામામાત્સુની મુલાકાત લીધી હતી, જ્યાં શિઝુઓકાના વાઈસ ગવર્નર હિરાકી શો અને હામામાત્સુના ડેપ્યુટી મેયર શિન્જીરો નાઈતોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
શિઝુઓકા અને હામામાત્સુમાં 2024માં શરૂ કરાયેલી સિસ્ટર-સ્ટેટ અને સિસ્ટર-સિટી ભાગીદારીને મજબૂત કરવા પર ચર્ચાઓ કેન્દ્રિત રહી હતી.
પટેલે હ્યોગો-ગુજરાત સિસ્ટર-સ્ટેટ ભાગીદારીની 10મી વર્ષગાંઠની ઉજવણીમાં પણ ભાગ લીધો હતો અને કોબેના મેયર કિઝો હિસામોતો સાથે મુલાકાત કરી હતી અને અમદાવાદ-કોબે સંબંધોના વિસ્તાર અંગે ચર્ચા કરી હતી.
ઓસાકા ખાતે 'મેક ઇન ઇન્ડિયા' સેમિનારમાં અમદાવાદના માનદ કોન્સલ મૂકેશ પટેલે ગુજરાતમાં રોકાણની તકો પર મુખ્ય પ્રવચન આપ્યું હતું. તેમણે 15મા ઇન્ડિયા મેળામાં વિતેલા વર્ષોના અનેક ગુડવિલ ડેલીગેશનને યાદ કરતા ગુજરાત અને હ્યોગો વચ્ચેના એક દાયકાના જન-સંપર્ક તથા વ્યાપારિક સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો.
ઓસાકા-કોબે ખાતેના ભારતીય કોન્સલ જનરલ ચંદ્રુ અપ્પર સાથે મુલાકાત દરમિયાન પટેલે આગામી વાઇબ્રન્ટ ગુજરાત 2027 પર વિશેષ ભાર મૂક્યો હતો, ફુકુઓકા ખાતે કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાની મુલાકાત દરમ્યાન ભારતીય કોન્સલ જનરલ સી.રામકુમાર સાથેની એક ખાસ ઇન્ટરેક્ટિવ મીટીંગ યોજાઈ હતી જેમાં દક્ષિણ જાપાનના ક્યુશુ અને ગુજરાત વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહયોગની શક્યતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ