
વડોદરા,22 ઓકટોબર (હિ.સ.) વડોદરા શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા 40 ટીમોના 11 વિસ્તારમાં દરોડા,52 જોડાણમાં વીજચોરી પકડાતાં 66.70 લાખનો દંડ કરવામાં આવ્યો.
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા 21 ઓક્ટોબરે, શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વ્યાપક વીજચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
વિજિલન્સ વિભાગના વિશેષ મુખ્ય ઈજનેર વી.એન.રાઠવાના માર્ગદર્શન હેઠળ 40 ટીમોએ સપાટો બોલાવી કુલ 1305 વીજ જોડાણોની ચકાસણી કરી હતી.
તપાસ દરમિયાન 35 જોડાણોમાં સીધી વીજચોરી અને 17 જોડાણોમાં ગેરરીતિ પકડાતા તંત્ર દ્વારા ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ 135 અને 126 હેઠળ લગભગ રૂ.66.70 લાખનું પુરવણી બિલ ફટકારવામાં આવ્યું છે.
પૂર્વ વિસ્તારમાં પાણીગેટ અને માંડવીની પેટા વિભાગીય કચેરી તેમજ પશ્ચિમ વિસ્તારમાં વાસણાની પેટા વિભાગીય કચેરીના તાબા હેઠળના વિસ્તારોમાં આ ઓપરેશન પાર પડાયું હતું.
ટીમોએ બાવામાનપુરા, યાકુતપુરા, હાથીખાના, પંજીગર મહોલ્લા, છીપવાડ, મીનારા મસ્જિદ વિસ્તાર, પાણીગેટ શાક માર્કેટ, અજબડી મીલ આસપાસનો વિસ્તાર તેમજ કાળી તલાવડી, આશિયાના નગર અને નવી નગરી જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ઘનિષ્ઠ તપાસ કરી હતી.
એક જ દિવસમાં 52 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાતાં ગેરકાયદે વીજ વપરાશકારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વીજ કંપનીએ આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારની ઝુંબેશ વધુ સઘન બનાવવાનું કહ્યું હતું.
ટીમે ચેકિંગ કરીને વીજ ચોરી પકડી, આગામી સમયમાં ચોરી કરનાર સામે કાર્યવાહી કરાશે
અમારી જુદી-જુદી ટીમે ચેકિંગ કરીને વીજ ચોરી પકડી છે. વીજ ચોરી કરનાર કોઈને છોડવામાં આવશે નહીં.
એમજીવીસીએલના વી.એન.રાઠવા, વિશેષ મુખ્ય ઈજનેર, વિજિલન્સ જણાવ્યું કે, આગામી સમયમાં પણ વીજ ચોરી કરનાર સામે કાર્યવાહી કરાશે. ડ્રાઈવ યોજીને કાર્યવાહી કરીશું., ઇલેક્ટ્રિશિયન ફક્ત 5-6 હજારમાં વીજ મીટર રેઝિસટર મૂકાવી ચોરી કરવાના 11 કેસ સામે આવ્યા,
વીજ મીટરમાં રેઝિસટર મુકાવીને મીટરને ધીમું પાડી દઈને વીજ ચોરી મોટા પ્રમાણમાં પકડાઈ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
ઇલેક્ટ્રિશિયન ફક્ત રૂ.5-6 હજાર લે છે અને વીજ મીટરમાં રેઝિસટર મૂકી આપે છે, તેમ સુત્રોએ કહ્યું હતું. વીજ મીટરમાં ખાસ રેઝિસટર મૂકાય છે અને તેના દ્વારા લાંબા સમયથી વીજ ચોરી કરવામાં આવી રહી છે.
તે રેઝિસટર મીટર ધીમુ પાડી દઈને વીજની નોંધણી ઓછી બતાવે છે. ત્યારે તે પ્રકારના 11 કેસ પાણીગેટ અને માંડવીમાંથી પકડાયા છે. હાલમાં સીધુ મુખ્ય લાઇનમાં લંગર નાખીને પણ ચોરી કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ