
ભાવનગર, 28 ઓક્ટોબર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં ખીજડિયા–અમરેલી આમાન પરિવર્તન (ગેજ કન્વર્ઝન) પ્રોજેક્ટ અંતર્ગત નવનિર્મિત બ્રોડગેજ રેલવે લાઇનનું રેલવે સંરક્ષા કમિશનર (CRS) દ્વારા 27 ઓક્ટોબર, 2026ના રોજ સંરક્ષા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પ્રોજેક્ટ અંતર્ગત ખીજડિયા–અમરેલી સેક્શનમાં 16.761 કિલોમીટર લાંબી મીટરગેજ રેલવે લાઇનને બ્રોડગેજમાં પરિવર્તિત કરવાનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. રેલવે સંરક્ષા કમિશનર દ્વારા રેલવે ટ્રેક, સિગ્નલિંગ સિસ્ટમ તથા અન્ય ટેકનિકલ કાર્યોનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
રેલવે સંરક્ષા કમિશનર, પશ્ચિમ પરિમંડળ, મુંબઈ, ઈ.શ્રીનિવાસે 27 ઓક્ટોબરના રોજ ખીજડિયાથી અમરેલી સુધી નવનિર્મિત રેલવે લાઇનનું મોટર ટ્રોલી દ્વારા સઘન નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ અમરેલીથી ખીજડિયા વચ્ચે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય પ્રશાસનિક અધિકારી/નિર્માણ (CAO/C) પ્રદીપ કુમાર, ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક દિનેશ વર્મા સહિત રેલવેના અન્ય વરિષ્ઠ અધિકારીઓ તથા નિર્માણ શાખાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ખીજડિયા–અમરેલી સેક્શનમાં આમાન પરિવર્તનનું કાર્ય પૂર્ણ થવા સાથે સંરક્ષા નિરીક્ષણ અને સ્પીડ ટ્રાયલ સંપન્ન થવાથી આ રેલવે સેક્શનમાં મુસાફર ટ્રેન સેવાઓ શરૂ કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. જરૂરી મંજૂરીઓ પ્રાપ્ત થયા બાદ રેલવે સેવાઓ શરૂ થવાથી આ વિસ્તારના મુસાફરોને વધુ સારી રેલવે કનેક્ટિવિટી મળશે અને તેમની અવરજવર વધુ સુવિધાજનક બનશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ