
પાટણ, 03 ઓક્ટોબર (હિ.સ.)પાટણના વારાહીમાં જૂની મિત્રતાની અદાવતમાં 26 વર્ષીય યુવકનું અપહરણ કરી માર માર્યાની ઘટના સામે આવી છે. નવા કમાલપુરાના નવીનકાન્તિભાઈ ઠાકોર પોતાની કટલેરીની દુકાને હાજર હતા ત્યારે બામરોલી, બિસ્મિલ્લાગંજ અને જાખેલ ગામના સાત શખ્સો ત્યાં આવ્યા હતા. આરોપીઓએ નવીનનો મોબાઈલ લઈ તેને બળજબરીથી સફેદ ઈકો ગાડીમાં બેસાડી દીધો હતો.
ત્યારબાદ આરોપીઓએ ગાડીમાં તેમજ લૂણીચણા મોર્ડન સ્કૂલ પાસે ગાડી રોકી લાકડીઓ, ધોકા અને ટામી જેવા હથિયારોથી નવીનને માર માર્યો હતો. સુનિલ ઠાકોરે નવીનની બહેન સાથેની જૂની મિત્રતા અંગે પૂછપરછ કરી હતી. આ દરમિયાન જગા ઠાકોરે ટામી વડે હુમલો કરતાં નવીનના જમણા હાથમાં ફેક્ચર થયું હતું. ત્યારબાદ તેને બિસ્મિલ્લાગંજ નજીક ખારી અને પાણીના ઓકળા પાસે લઈ જઈ ફરી માર મારવામાં આવ્યો હતો.
બાદમાં આરોપીઓ નવીનને લીમગામડા બસ સ્ટેન્ડ પાસે ઉતારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત નવીનને સારવાર માટે પ્રથમ વારાહી અને ત્યારબાદ ધારપુર હોસ્પિટલ, પાટણ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે વારાહી પોલીસે સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ