
પાટણ, 03 ઓક્ટોબર (હિ.સ.) : શંખેશ્વરના જેસડા ગામમાં મહિલાની લાજ લેવાના પ્રયાસના કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કેસમાં મુખ્ય આરોપી ઠાકોર ગણપતજી બચુજીને કોર્ટે દોષિત ઠેરવી 1 વર્ષની જેલની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો છે. દંડની રકમમાંથી રૂ.5 હજાર પીડિત મહિલાને વળતર તરીકે ચૂકવવાનો આદેશ પણ કોર્ટે આપ્યો છે.
આ ઘટના 6 ઓક્ટોબર 2024ના રોજ રાત્રે 9 વાગ્યે બની હતી. પીડિત મહિલા પોતાના 3 વર્ષના બાળક સાથે મંદિરેથી ઘરે પરત ફરી રહી હતી. તે દરમિયાન જોગણી માતાના મંદિર નજીક ઉભેલા ગણપતજી ઠાકોરે પાછળથી આવી મહિલાને પકડી તેની લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ બૂમાબૂમ કરતાં તેનો પતિ ઘટનાસ્થળે પહોંચ્યો હતો, જેથી આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ પરિવારજનો આરોપીને ઠપકો આપવા ગયા ત્યારે નટુજી ઠાકોર અને જયરામજી ઠાકોરે ગાળાગાળી કરી ધમકી આપી હોવાનો પણ આક્ષેપ થયો હતો.
સમગ્ર મામલે શંખેશ્વર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને પીડિત મહિલાની જુબાનીને ધ્યાનમાં લઈને કોર્ટે ગણપતજીને દોષિત ઠેરવ્યો હતો. જોકે, નટુજી અને જયરામજી સામે પૂરતા પુરાવા ન મળતાં કોર્ટે બંનેને નિર્દોષ જાહેર કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ