
અમદાવાદ, 03 ઓકટોબર (હિ.સ.) : અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને તસ્કરોએ જયંતિ સોમા આંગડિયા પેઢીના આંગડિયા કર્મીની બંડી કાપીને 15 લાખના હીરાની ચોરીની ઘટના સામે આવી.
ચોરીની જાણ થતાં જ કર્મચારીઓએ પેઢીના માલિકોને જાણ કરી હતી. જોકે, તેમની પાસે અન્ય ગ્રાહકોનો પણ કિંમતી સામાન હોવાથી તેમણે પ્રથમ મુંબઈ સુધીનો સામાન સુરક્ષિત પહોંચાડ્યો હતો. ત્યારબાદ પરત આવીને તેમણે અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કર સામે વિધિવત ફરિયાદ નોંધાવી હતી.
કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 પર ગુજરાત મેઈલ ટ્રેનમાં ચઢતી વખતે ભીડનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરે પટેલ જયંતિ સોમા આંગડિયા પેઢીના કર્મચારીની ખાસ બંડી કાપીને 15 લાખની કિંમતના 11,901 નંગ પોલિશ કરેલા હીરા ભરેલા પાર્સલની ચોરી કરી લીધી હતી. આ અંગે રેલવે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
મૂળ રાજસ્થાનના અત્યારે હાલ અમદાવાદના રાયપુરમાં રહેતા મંછારામ પ્રજાપતિ છેલ્લા 10 વર્ષથી પટેલ જયંતિ સોમા આંગડિયા પેઢીમાં નોકરી કરે છે. 29 સપ્ટેમ્બરે તેઓ ભાગીદાર મદનસિંગ રાઠોડ સાથે મુંબઈ સુધી કિંમતી સામાન પહોંચાડવા નીકળ્યા હતા. ખાસ ડિઝાઈન કરેલી બંડીમાં હીરાના પાર્સલ મૂકીને તેઓ અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. પ્લેટફોર્મ નંબર 7 પર ગુજરાત મેઈલ ટ્રેનમાં થેલો મૂકીને બીજો થેલો લેવા દરવાજા પાસે જતાં ભીડનો લાભ લઈ તસ્કરે ધારદાર વસ્તુ વડે પેન્ટ અને અંદરની ખાસ બંડી કાપી નાખી હતી. તસ્કર બંડીના ખિસ્સામાંથી મુંબઈ મોકલવાનું પાલનપુરથી આવેલું 100.65 કેરેટના 11,901 નંગ હીરાનું પાર્સલ ચોરીને ફરાર થઈ ગયો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ