
બોટાદ,31 ઓક્ટોબર (હિ.સ.)બોટાદ જિલ્લામાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંદેશને જનજન સુધી પહોંચાડવાના હેતુથી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાના આશરે ત્રણ હજારથી પણ વધુ લોકોએ ઉત્સાહભેર સહભાગી બની રાષ્ટ્રીય એકતાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
સરદાર વલ્લભભાઈ પટેલે દેશની આઝાદી બાદ અનેક રજવાડાંઓનું એકીકરણ કરીને અખંડ ભારતના નિર્માણમાં ઐતિહાસિક યોગદાન આપ્યું હતું. તેમના આ અતુલનીય કાર્ય અને રાષ્ટ્રીય એકતાના વિચારોને યાદ કરવા માટે દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ નિમિત્તે યોજાયેલી એકતા પરેડમાં વિવિધ ક્ષેત્રના લોકો, યુવાનો, વિદ્યાર્થીઓ અને પોલીસ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
પરેડ દરમિયાન સહભાગીઓમાં રાષ્ટ્રપ્રેમ, શિસ્ત અને એકતાની ભાવના જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને ભવ્ય સ્વરૂપ આપ્યું હતું. પરેડના માધ્યમથી સમાજમાં એકતા, ભાઈચારો, સામાજિક સમરસતા અને રાષ્ટ્રીય અખંડિતતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA