મહુવા યાર્ડમાં મગફળીની આવકથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, રોજગારીનું પણ બન્યું મોટું કેન્દ્ર
ભાવનગર, 31 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક અને સારા ભાવની આશા વચ્ચે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્ષભર મહેનત કરીને તૈયાર કરેલી મગફળી વેચવા માટે યાર્ડમાં પહોંચતા ખેડૂતોના ચહેરા પર સંતોષ અ
મગફળી


ભાવનગર, 31 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક અને સારા ભાવની આશા વચ્ચે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્ષભર મહેનત કરીને તૈયાર કરેલી મગફળી વેચવા માટે યાર્ડમાં પહોંચતા ખેડૂતોના ચહેરા પર સંતોષ અને આનંદની લાગણી જોવા મળી રહી છે. મગફળીના પોષણક્ષમ ભાવ મળવાની આશા સાથે ખેડૂતો પોતાની જણસનું વેચાણ કરવા યાર્ડમાં આવી રહ્યા છે.

મહુવા એપીએમસી યાર્ડ સૌરાષ્ટ્રના કૃષિ વેપારનું મહત્વનું કેન્દ્ર બન્યું છે. અહીં મગફળી સહિત વિવિધ ખેતપેદાશોની આવક અને ખરીદ-વેચાણની પ્રવૃત્તિઓ સતત ચાલતી રહે છે. આ પ્રવૃત્તિઓ માત્ર ખેડૂતો માટે જ નહીં, પરંતુ વેપારીઓ, મજૂરો, હમાલો, વાહનચાલકો અને અન્ય શ્રમિકો માટે પણ રોજગારીનું મોટું માધ્યમ બની રહી છે. યાર્ડમાં ચાલતી કામગીરીના કારણે હજારો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજીરોટી મળી રહી છે.

બીજી તરફ, એપીએમસી મહુવા દ્વારા ખરીદ-વેચાણની કામગીરી માટે દેવળીયા ખાતે ઉતારવામાં આવતી મગફળી અંગે પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે. જરૂરી સુવિધાઓના અભાવે ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોને જણસ ઉતારવા અને અન્ય કામગીરી દરમિયાન અગવડતા ન પડે તે માટે દેવળીયા ખાતે જરૂરી પાયાની સુવિધાઓ ઊભી કરવાની જરૂરિયાત જણાઈ રહી છે.

આમ, મહુવા એપીએમસી ખેડૂતોના ખેતઉત્પાદનોના વેચાણની સાથે સ્થાનિક વેપાર, રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ આપતું મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande