
રાજકોટ, 31 ઓક્ટોબર (હિ.સ.) રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વર્ષ 2026 માટે પ્રતિષ્ઠિત ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક’ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સુરક્ષા દળોના મનોબળને પ્રોત્સાહન આપવા દેશભરમાંથી 490 કર્મીઓની પસંદગી કરાઈ છે, જેમાં ઇન્વેસ્ટીગેશન ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને અનુકરણીય કામગીરી બદલ ગુજરાત પોલીસના છ અધિકારીઓએ આ રાષ્ટ્રીય સ્તરનું ગૌરવપૂર્ણ પદક હાંસલ કર્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી પદક વિજેતાઓની યાદીમાં રાજકોટ ગ્રામ્યના એએસપી સિમરન ભારદ્વાજ ઉપરાંત એસપી અંશુલ જૈન, ડીવાયએસપી રણજીતસિંહ સિંઘલ, પોલીસ ઇન્સ્પેક્ટર જયેશ ઠાકોર, પોલીસ ઇન્સ્પેક્ટર પાર્થેન્દ્રસિંહ વાઘેલા અને પોલીસ ઇન્સ્પેક્ટર ગુણવંત મનુભાઈ હડિયાનો સમાવેશ થાય છે. આ તમામ અધિકારીઓએ ગુના સંશોધન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે.
આ સન્માન અંગે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પદક મેળવનાર અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે ગુજરાત પોલીસના કર્મઠ અધિકારીઓને રાષ્ટ્રીય સ્તરે મળેલું આ સન્માન સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. ઇન્વેસ્ટિગેશન ક્ષેત્રે તેમની ઊંડાણપૂર્વકની અને નિષ્ઠાવાન કામગીરી અન્ય તમામ પોલીસકર્મીઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે.
ગુજરાત પોલીસ ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન અને ડિરેક્શન ક્ષેત્રે સતત અગ્રેસર રહી છે. આ પસંદગી પામેલા અધિકારીઓએ જટિલ ગુનાઓની વૈજ્ઞાનિક, તાર્કિક અને તલસ્પર્શી તપાસ હાથ ધરીને રાજ્યની ન્યાયિક પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, જેના પરિણામે રાષ્ટ્રીય સ્તરે તેમની શ્રેષ્ઠ સેવાઓની યોગ્ય કદર કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt