
ગાંધીનગર, 12 નવેમ્બર (હિ.સ.) : ભારતના સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય હેઠળના શહેરી વિકાસ વિભાગ દ્વારા ગુજરાતના શહેરોને સ્વચ્છતા ક્ષેત્રે દેશભરમાં અગ્રેસરતા માટેના એવોર્ડ્સ એનાયત થયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નવી દિલ્હીમાં આ એવોર્ડ્સ અમદાવાદ-સાણંદ, વડોદરા અને સુરતના શહેરી સત્તા તંત્રોને અર્પણ કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા ક્ષેત્રે અગ્રેસરતા માટે આ શહેરોને અને નાગરિકોને હદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં સ્વચ્છતા માટેનું જે જન આંદોલન ચલાવ્યું છે તેને ગુજરાતે ભલિભાંતિ ચરિતાર્થ કર્યુ છે.
વડાપ્રધાનની પ્રેરણા અને માર્ગદર્શનમાં સ્વચ્છતા રાજ્યના દરેક લોકોની જીવન શૈલી બની ગઈ છે તેનો આનંદ વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રીએ સૌને સ્વચ્છ અને વિકસિત ગુજરાત તરફ વધુ તેજ ગતિએ આગળ વધવા આહવાન કર્યુ છે.
રાજ્યના જે શહેરોને સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ 2025-26માં ઉત્કૃષ્ટ દેખાવ માટે સ્થાન મળ્યું છે તેમાં સ્વચ્છ શહેરી જોડીમાં અમદાવાદ-સાણંદને મેન્ટર અને મેન્ટી સિટી તરીકે દેશમાં પ્રથમક્રમ પ્રાપ્ત થયો છે.
શહેરી કચરા વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટતાને વેગ આપવા માટે આ સ્વચ્છ શહેર જોડી કેટેગરીમાં એવોર્ડ્સ અપાય છે.
10 લાખથી વધુ વસતી ધરાવતા શહેરોની સુપર સ્વચ્છતા લીગ કેટેગરીમાં સુરતે સતત બીજીવાર દેશમાં દ્વિતીય ક્રમ મેળવ્યો છે.
એટલુ જ નહિ, વડોદરા મહાનગરને રાજ્યના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
નવી દિલ્હી ખાતે યોજાયેલા આ એવોર્ડ વિતરણ સમારોહમાં, શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્ય મંત્રી દર્શના બહેન વાઘેલા અને સંબંધિત મહાનગર પાલિકાના તંત્રવાહકોએ આ એવોર્ડ્સ સ્વીકાર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ