
રાજકોટ, 12 નવેમ્બર (હિ.સ.) : રાજકોટમાં આગામી ૧૫મી નવેમ્બરે કલેક્ટર કચેરી પાસેના બેન્કર્સ રિક્રિએશન ક્લબ ખાતે જનજાતીય ગૌરવ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી યોજાશે, જેમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાખો રૂપિયાની આર્થિક સહાય અને લાભોનું ભવ્ય વિતરણ કરવામાં આવશે.
રાજકોટમાં યોજાનારી આ જિલ્લાકક્ષાની ઉજવણી સંદર્ભે નિવાસી અધિક કલેક્ટર દ્વારા વિગતો જાહેર કરવામાં આવી છે. આ કાર્યક્રમ રવિવારે સવારે ૧૦:૩૦ કલાકથી પ્રારંભ થશે. જનજાતીય સમાજના ઉત્થાન અને વિકાસને વેગ આપવા માટે સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આ કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓના મંજૂર થયેલા ચેક તથા લાભો પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ ૭૫ લાભાર્થીઓને રૂ. ૦૯ લાખ અને સાતફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ ૩૩ લાભાર્થીઓને રૂ. ૪.૯૫ લાખની સહાય અપાશે. આ ઉપરાંત, પ્રોત્સાહક ઈનામ પેટે ૦૮ લાભાર્થીઓને રૂ. ૧.૦૨ લાખ, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે ૦૫ લાભાર્થીઓને રૂ. ૧૫ લાખ તથા સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલનું વિતરણ કરવામાં આવશે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન જિલ્લામાં આદિવાસી વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે છાત્રાલય, શિષ્યવૃત્તિ, ગણવેશ અને ભોજનબિલ સહાય પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ ઉજવણી માત્ર એક ઉત્સવ નથી પરંતુ દેશના આદિવાસી સમાજના ગૌરવશાળી શૌર્ય, બલિદાન, સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રનિર્માણમાં રહેલા તેમના અમૂલ્ય યોગદાનને સ્મરવાનો અવસર છે. વહીવટી તંત્ર દ્વારા આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે અપાતી આ સહાયથી અનેક પરિવારોને સીધો લાભ મળશે. પ્રશાસન દ્વારા રાજકોટ જિલ્લાના નાગરિકોને આ ભવ્ય જિલ્લાકક્ષાના ઉજવણી સમારોહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સહભાગી બનવા માટે હાર્દિક અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt