દિવાળીની ખરીદીને પગલે રાજકોટના મુખ્ય બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ જામી
-રવિવારની રજા અને પગાર થતાં રાત્રે બે વાગ્યા સુધી બજારો ધમધમી : આગામી દિવસોમાં ઘરાકી વધવાની વેપારીઓની આશા રાજકોટ, 02 નવેમ્બર (હિ.સ.) દિવાળીના તહેવારો નજીક આવતાની સાથે જ રાજકોટના બજારોમાં ખરીદીની રોનક જામી છે. શહેરના જૂના અને જાણીતા બજાર વિસ્તારો
રાજકોટની બજારમાં દિવાળીની રોનક દેખાઈ


-રવિવારની રજા અને પગાર થતાં રાત્રે બે વાગ્યા સુધી બજારો ધમધમી : આગામી દિવસોમાં ઘરાકી વધવાની વેપારીઓની આશા

રાજકોટ, 02 નવેમ્બર (હિ.સ.) દિવાળીના તહેવારો નજીક આવતાની સાથે જ રાજકોટના બજારોમાં ખરીદીની રોનક જામી છે. શહેરના જૂના અને જાણીતા બજાર વિસ્તારો જેવા કે લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી, ઘી કાંટા રોડ, ભૂપેન્દ્ર રોડ અને પેલેસ રોડ પર લોકોની ભારે ગીરદી જોવા મળી રહી છે. રવિવારની રજા અને મહિનાની પહેલી તારીખે નોકરિયાત વર્ગને પગાર મળવાનો સંયોગ સર્જાતાં બજારોમાં સવારથી જ ઘરાકીનો ઉત્સાહજનક માહોલ સર્જાયો હતો.

પરિવારો દિવાળી પર્વ માટે ઘરની સાફસફાઈ, રંગરોગાન, સુશોભન અને નવી ચીજવસ્તુઓની ખરીદી માટે બજારમાં ઉમટી રહ્યા છે. ખાસ કરીને કપડાં, બુટ-ચંપલ, ઘરવખરી તેમજ ગૃહસુશોભનની વસ્તુઓની મોટી પ્રમાણમાં સખત ખરીદી થઈ રહી છે. વેપારીઓ દ્વારા બજારોમાં આકર્ષક રોશની કરવામાં આવી છે, જે રાત્રિના સમયે ઝગમગી ઉઠે છે. આ ઝગમગાટ જોવા અને સાથે ખરીદી કરવાનો લાભ લેવા લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા હોવાથી વેપારીઓમાં ખુશી વ્યાપી છે.

ધર્મેન્દ્ર રોડ વેપાર એસોસિયેશનના જણાવ્યા અનુસાર, દિવાળી પૂર્વેનો છેલ્લો રવિવાર હોવાથી સવારથી શરૂ થયેલી ખરીદી રાત્રે બે વાગ્યા સુધી સતત ચાલુ રહી હતી. મોડી રાત સુધી લોકોની અવરજવરથી બજારો ધમધમતી રહી હતી. આગામી દિવસોમાં શાળાઓમાં બાળકોનું દિવાળી વેકેશન શરૂ થતાં જ ખરીદીમાં બમ્પર વધારો થશે અને વેપાર-ધંધાને વધુ વેગ મળશે તેવી વેપારી વર્ગને પૂર્ણ આશા છે.

બીજી તરફ, લાખાજીરાજ રોડ વેપારી એસોસિયેશનના જણાવ્યા મુજબ બજારમાં ચિક્કાર ગીરદીના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ સર્જાઈ હતી. રસ્તાઓ પર વાહનોની ભીડ અને પાથરણાવાળાઓને મળેલી મંજૂરીના કારણે પગપાળા ચાલનારા ગ્રાહકોને મુશ્કેલી પડી હતી. આમ છતાં, લોકોનો ખરીદી પ્રત્યેનો ઉત્સાહ યથાવત રહ્યો હતો. ટ્રાફિક અને જગ્યાની અગવડતા વચ્ચે પણ લોકોએ ઉત્સાહપૂર્વક પોતાની જરૂરિયાત મુજબ ખરીદી ચાલુ રાખી હતી.

બજારમાં ઘર સુશોભન માટે લાઈટિંગ સિરીઝ, આર્ટિફિશિયલ ફ્લાવર, તોરણ, લાભ-શુભના સ્ટિકર, દીવડા, કંડિલ અને ઝુમ્મરની ધૂમ વેચાણ થઈ રહી છે. આ ઉપરાંત ફટાકડા, નવ વસ્ત્રો અને ભેટસોગાદોની ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે. આવતા રવિવારે દિવાળીનો તહેવાર હોવાથી આગામી દિવસોમાં પણ બજારો મોડી રાત સુધી ખુલ્લી રાખવામાં આવશે અને ગ્રાહકોનો ભારે ધસારો રહેવાની શક્યતા છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande