નાથદ્વારા દર્શન કરી પરત ફરતાં રાજકોટના વૃદ્ધનું બસમાં જ હૃદય બંધ પડી જતાં મોત નીપજ્યું
રાજકોટ, 02 નવેમ્બર (હિ.સ.) નાથદ્વારા દર્શન કરી લક્ઝરી બસ મારફત રાજકોટ પરત ફરી રહેલા સદભાવના વૃદ્ધાશ્રમના યોગેશ ઉદેશીનું રસ્તામાં જ હૃદય બંધ પડી જતાં કરુણ મોત નિપજ્યું હતું. રાજકોટ પહોંચ્યા બાદ તેઓ સીટમાં બેભાન હાલતમાં મળી આવતાં હોસ્પિટલ ખસેડાયા
હાર્ટએટેક


રાજકોટ, 02 નવેમ્બર (હિ.સ.) નાથદ્વારા દર્શન કરી લક્ઝરી બસ મારફત રાજકોટ પરત ફરી રહેલા સદભાવના વૃદ્ધાશ્રમના યોગેશ ઉદેશીનું રસ્તામાં જ હૃદય બંધ પડી જતાં કરુણ મોત નિપજ્યું હતું. રાજકોટ પહોંચ્યા બાદ તેઓ સીટમાં બેભાન હાલતમાં મળી આવતાં હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. દર્શનથી પાછા ફરતી વેળાએ બનેલી આ ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ છે.

રાજકોટના ગોંડલ રોડ પર આવેલા સુપ્રસિદ્ધ સદભાવના વૃદ્ધાશ્રમમાં રહેતા અને મૂળ મુંબઈના વતની યોગેશ પોપટભાઈ ઉદેશી તાજેતરમાં પોતાના અન્ય બે સિનિયર સિટીઝન મિત્રો સાથે ધાર્મિક પ્રવાસે નીકળ્યા હતા. ત્રણેય વૃદ્ધો રાજકોટથી રાજસ્થાન સ્થિત નાથદ્વારા ખાતે શ્રીનાથજીના દર્શન કરવા માટે ગયા હતા. દર્શન પૂરા કરીને તેઓ રાત્રિના સમયે લક્ઝરી બસ મારફત પરત રાજકોટ આવવા માટે રવાના થયા હતા.

સાથે રહેલા સિનિયર સિટીઝન સાથીદારોના જણાવ્યા અનુસાર, નાથદ્વારાથી નીકળ્યા બાદ રાત્રિના સમયે બસ શામળાજી ખાતે હોલ્ટ માટે રોકાઈ હતી. શામળાજી ખાતે યોગેશભાઈ અને તેમના મિત્રો સાથે જમીને બસમાં પોતપોતાની સીટ પર બેઠા હતા. જમ્યા બાદ યોગેશભાઈ આરામથી સુઈ ગયા હતા. જોકે, આ જ રાત તેમની જિંદગીની આખરી રાત બની રહેશે તેનો કોઈને અંદાજ નહોતો.

વેહલી સવારે આશરે ચાર વાગ્યાના સુમારે લક્ઝરી બસ રાજકોટમાં બિગ બજાર અને વેસ્ટ ઝોન ઑફિસ પાસે આવી પહોંચી હતી. બસ રોકાતાં સાથેના મિત્રોએ યોગેશભાઈને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ ઊંઘતા હોય તે રીતે સીટ પર બેઠા હતા, પરંતુ વારંવાર જગાડવા છતાં કોઈ હલનચલન ન થતાં મિત્રો ગભરાયા હતા. યોગેશભાઈ બેભાન હાલતમાં જણાતાં તુરંત જ તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ યોગેશભાઈને તપાસીને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ રાત્રિના સમયે જ ઊંઘમાં તેમને હૃદય રોગનો તીવ્ર હુમલો (હાર્ટ અટેક) આવી ગયો હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે તાલુકા પોલીસને જાણ કરી હતી. પોલીસે સાચું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande