
રાજકોટ, 02 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ ગ્રામ્યના ધોરાજીના સરદાર ચોકમાંથી રૂરલ એસઓજીની ટીમે ઓરિસ્સાથી લાવવામાં આવેલ રૂ. ૪.૮૯ લાખની કિંમતનો ૯.૭૯૭ કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં જામજોધપુરના બે શખ્સોની ધરપકડ કરી પોલીસ દ્વારા રાજકોટના મુખ્ય રિસીવર અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
રાજકોટ ગ્રામ્ય પંથકમાં માદક પદાર્થોની હેરાફેરી અને તેના સેવનને ડામવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા 'સે નો ટુ ડ્રગ્સ મિશન' અંતર્ગત વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ સૂચનાના આધારે રૂરલ એસઓજી પીઆઈ એફ.એ. પારગી અને તેમની ટીમ સતત કાર્યરત હતી. તે જ દરમિયાન એસઓજી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ધોરાજીના સરદાર ચોક વિસ્તારમાં બે શખ્સો ભારે માત્રામાં માદક પદાર્થનો જથ્થો લઈને વેચાણ કે ડિલિવરી હેતુસર આવવાના છે.
બાતમીને ગંભીરતાથી લઈને રૂરલ એસઓજીની ટીમ તાત્કાલિક ધોરાજીના સરદાર ચોક ખાતે પહોંચી ગઈ હતી અને ત્યાં સાદી વેશભૂષામાં વોચ ગોઠવી હતી. થોડા સમય બાદ શંકાસ્પદ થેલાઓ સાથે બે શખ્સો ત્યાં આવી પહોંચતા જ પોલીસે તેમને કોર્ડન કરી લીધા હતા. તેમની પાસે રહેલા કોથળાની સઘન તલાશી લેતા તેમાંથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ૪ અલગ-અલગ કોથળામાંથી કુલ રૂ. ૪,૮૯,૮૫૦ ની કિંમતનો આશરે ૯.૭૯૭ કિલો ગાંજો કબજે કર્યો હતો. આ સાથે જ કાસમ જુમા સમા અને અશ્વિન ગિરધર ભાલોડીયા (બંને રહે. જામજોધપુર, જામનગર) ની ધરપકડ કરી ધોરાજી સીટી પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. બંને આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેઓ આ ગાંજાનો જથ્થો ઓરિસ્સા રાજ્યમાંથી ટ્રેન મારફતે લઈને આવ્યા હતા. તેઓ ઓરિસ્સાથી ટ્રેનમાં રાજકોટ રેલવે સ્ટેશને ઉતર્યા હતા અને ત્યાંથી બસ મારફતે ધોરાજી પહોંચ્યા હતા. પોલીસે ગાંજા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૪,૯૯,૮૫૦ નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓની આ મુસાફરી અને હેરાફેરીની પદ્ધતિ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે આરોપીઓ ધોરાજી ખાતે ગાંજાની ડિલિવરી આપવા આવ્યા હતા, જ્યારે પોલીસને પ્રબળ શંકા છે કે આ જથ્થો મૂળ રાજકોટ પહોંચાડવાનો હતો. પોલીસ ચેકિંગના ડરથી તેઓ ધોરાજી તરફ ડાયવર્ટ થયા હોવાનું પણ અનુમાન છે. હાલ રૂરલ એસઓજી ટીમ દ્વારા આ માદક પદાર્થ મંગાવનાર અને રાજકોટમાં તેનો મુખ્ય રિસીવર કોણ છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી આ રેકેટના અન્ય સભ્યોને પણ ઝડપી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt