
- પાર્ટીમાં પોલીસ દરોડા બાદ રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો, પાટીદાર સમાજના આગેવાનોના ભિન્ન સૂર અને કાયદા સામે નવો વિવાદ
રાજકોટ, 02 નવેમ્બર (હિ.સ.) : રાજકોટની જાણીતી હોટલમાં બર્થ ડે પાર્ટી દરમિયાન ઝડપાયેલી શરાબની મહેફિલનો કિસ્સો સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે કાર્યવાહી કરીને 38 લોકો સામે ગુનો નોંધ્યો છે, જેના સોશિયલ મીડિયા અને સામાજિક ક્ષેત્રે તીખા પ્રત્યાઘાતો પડ્યા છે. પાટીદાર સમાજના આગેવાનોના વિરોધાભાષી નિવેદનો અને દારૂબંધીના કાયદા સામે ઉઠેલા સવાલોને કારણે આ મુદ્દાએ મોટું આંદોલનાત્મક અને રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે.
હોટલની દારૂ પાર્ટીમાં પોલીસ કાર્યવાહી બાદ સપ્લાયર્સ સુધી પહોંચવા અંગે સવાલો ઉભા થયા છે. ઉમિયાધામ સિદસરના મહિલા પાંખના અગ્રણી જ્યોતિ ટીલવાની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ મામલો વધુ ગરમાયો છે. મીડિયા સામે આક્ષેપ કરતા જ્યોતિ ટીલવાએ દલીલ કરી હતી કે માત્ર દારૂ પીવાની ઘટનાને મર્ડર જેવા ગંભીર ગુનાની જેમ ચગાવવામાં આવી રહી છે. વાડીઓ અને ફાર્મહાઉસમાં પણ આવી પાર્ટીઓ થાય છે, માત્ર એક જ સમાજને લક્ષ્ય બનાવી મીડિયા દ્વારા ગેરસમજ પેલાવવામાં આવી રહી છે.
આ મામલે ગણપત યુનિવર્સિટીના ચેરમેન ગણપત પટેલે મહેસાણા પાટીદાર મહાસંમેલનમાં યુવાનોમાં વધતા વ્યસન અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ટકોર કરી હતી કે સમાજની દીકરીઓ દરેક ક્ષેત્રે આગળ વધી ગોલ્ડ મેડલ મેળવી રહી છે, જ્યારે દીકરાઓ દારૂ અને ડ્રગ્સના રવાડે ચડીને ભટકી રહ્યા છે. આર્થિક સદ્ધરતાની સાથે સમાજમાં દૂષણો પ્રવેસ્યા છે. આ સ્થિતિમાં સુધારાની શરૂઆત દરેક પરિવારે પોતાના ઘરથી જ કરવી પડશે અને યુવાનોને સન્માર્ગે વાળવા વડીલોએ સક્રિય ભૂમિકા ભજવવી પડશે.
બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અતુલ પંડિતે વર્તમાન પેઢીની લાઈફસ્ટાઈલ પર સવાલ ઉઠાવતી પોસ્ટ કરી હતી. ગુજરાત બહાર દારૂનું સેવન ગુનો નથી હોતું તે બાબત ટાંકી તેમણે લખ્યું કે નવી જનરેશન માટે આ બાબત સામાન્ય બની ચૂકી છે અને આર્થિક સદ્ધરતા મુજબ કદાચ માત્ર ફરક જોવા મળે છે. પીવું એ નૈતિક રીતે કેટલું યોગ્ય છે તે ચર્ચાનો પ્રશ્ન હોઈ શકે, પરંતુ બદલાતી જીવનશૈલીને કારણે આ પ્રકારના આયોજનો હવે દરેક ઘરમાં સામાન્ય બની રહ્યા છે.
પોલીસ કાર્યવાહી અને સોશિયલ મીડિયા પર થતી બદનામીથી કંટાળીને રાજકોટના ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને પાટીદાર અગ્રણીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. પકડાયેલા લોકોમાં પરિવારજનો, પતિ-પત્ની અને માતા-પુત્ર સામેલ હતા. કોઈ અશ્લીલતા કે ગંભીર ગુનો થયો ન હોવા છતાં અમાનવીય વ્યવહાર કરાયાનો આક્ષેપ થયો છે. આ સ્થિતિથી કંટાળીને હવે પછીની લગ્નસરાની સીઝન અને ભવ્ય પ્રસંગો રાજકોટ કે ગુજરાતમાં યોજવાને બદલે રાજસ્થાન, ગોવા કે અન્ય રાજ્યોમાં યોજવા અંગે અંદરખાને ગંભીર આંતરિક ચર્ચાઓ શરૂ થઈ છે.
રાજકોટ બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખ અને ક્રેડાઈ ગુજરાતના જોઈન્ટ સેક્રેટરી ધ્રુવિક પટેલે દારૂબંધીના કાયદા સામે ખુલ્લેઆમ આક્રોશ ઠાલવ્યો છે. 21મી સદીમાં દારૂ પીવાની ઘટનાને ગુનો ગણવાની માનસિકતા જૂનવાણી ગણાવી તેમણે રાજકોટથી જ પ્રોહિબિશન એક્ટ રદ કરવાનું આંદોલન શરૂ કરવા હાકલ કરી છે. બહારથી આવતા લોકો કે ગિફ્ટ સિટીમાં છૂટછાટ અને ગુજરાતના મૂળ નાગરિકો માટે પ્રતિબંધ જેવા ભેદભાવ સામે સવાલ ઉઠાવી, તેમણે ગુજરાતમાં જન્મેલા નાગરિકો સામે થઈ રહેલા કાયદાકીય વલણની આકરા શબ્દોમાં સમીક્ષા કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt