
- દાઉદ ઈબ્રાહીમ સાથેના કનેકશનની તપાસ થશે
- વિદેશમાં બેસી ભારતમાં ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવતો
અમદાવાદ,03 નવેમ્બર (હિ.સ.) વર્ષ 2022માં વડોદરાની ફેક્ટરીમાંથી ઝડપાયેલા રૂપિયા 473 કરોડના ડ્રગ્સ કેસમાં ફરાર સલીમ ડોલાની તુર્કિયેથી ધરપકડ કરવામાં આવી છે. સલીમ ડોલા વિદેશમાં બેસી ભારતમાં ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવતો. વર્ષોથી અંડરવર્લ્ડ સાથે જોડાયેલા લોકો સાથે આરોપીઓએ ડ્રગ્સનું કામ કર્યું છે.
ડોલાના દાઉદ ઈબ્રાહીમ સાથેના કનેકશનની પણ તપાસ કરાશે.
સલીમ ડોલા સામે ઈન્ટરપોલ મારફત રેડકોર્નર નોટિસ ઈસ્યૂ કરવામાં આવી હતી. સલીમ તુર્કિયેમાં હોવાની જાણ થતા ધરપકડ કરી તેને ડિપોર્ટ કરવામાં આવ્યો હતો.
ગુજરાત એટીએસ દ્વારા હાલ કબજો મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સલીમ સામે ભારતમાં અલગ અલગ 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.
ગુજરાત એટીએસએ વડોદરા જિલ્લાના સિંઘરોટ ગામ ખાતે આવેલા એક મેન્યુફેક્ચરિંગ યુનિટ પર, રેડ કરીને વર્ષ 2022માં એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી શોધી કાઢી હતી.આ ફેક્ટરીમાંથી 473 કરોડથી વધુનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું.આ કેસમાં 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના સિંધરોટ ગામમાં આવેલી એક ફેક્ટરી પર દરોડો પાડીને ગેરકાયદે MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન 87.728 કિલો મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત આશરે ₹438.64 કરોડ આંકવામાં આવી હતી. આ કેસમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. NDPS એક્ટની કલમ 8(C), 22(C) અને 29 હેઠળ એટીએસ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસની તપાસ દરમિયાન પકડાયેલા આરોપી સૌમિલ પાઠક સાથે અગાઉ મુંબઈ જેલમાં સલીમ ઇસ્માઈલ ડોલા પણ હતો.સૌમિલ અને સલીમ સંપર્કમાં આવ્યા બાદ સલીમ ડોલા સાથે મળીને સૌમીલે એમડી ડ્રગ્સની ફેક્ટરી શરૂ કરી હતી.
ફેક્ટરીમાં બનાવેલું એમડી ડ્રગ સલીમના સાગરીત અહેમાન શેખપુર પાસે પણ પહોંચાડવામાં આવ્યું હતું જે કેસમાં સલીમ ડોલા વોન્ટેડ હતો.
સલીમ સામે ઈન્ટરપોલ મારફત રેડકોર્નર નોટિસ ઈસ્યૂ કરાઈ હતી
સલીમ વિદેશમાં રહીને ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો જેથી એટીએસ દ્વારા સલીમની ધરપકડ કરવા માટે ઇન્ટરપોલ મારફતે રેડ કોર્નર નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી હતી સલીમની આંતરરાષ્ટ્રીય સર્વે પણ ચાલી રહી હતી આ દરમિયાન સલીમ તુર્કિયેમાં હોવાનું સામે આવતા તુર્કીથી સલીમની ધરપકડ કરીને ડિપોટ કરવામાં આવ્યો હતો જે બાદ ગુજરાત એટીએસને સલીમની કસ્ટડી મળી હતી.
સલીમની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે તે અગાઉ ઈકબાલ મિર્ચીના સંપર્કમાં રહીને કામ કરતો હતો.1990ના દાયકામાં ઈકબાલ મિર્ચી આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલો હતો ત્યારે સલીમ તેના માટે ડ્રગ્સની હેરાફેરી કરતો હતો.સલીમ ડોલા અને તેના સાગરિતો દ્વારા ભારત સહિત વિદેશમાં ડ્રગ્સની હેરાફેરી માટેનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું.
આ નેટવર્ક મારફતે કાયદેસરથી નિકાસ થતી ચીજ વસ્તુઓના કન્ટેનરમાં ડ્રગ છુપાવીને વિદેશમાં મોકલવામાં આવતું હતું.ત્યાં ડમી કંપની ઉભી કરીને આ ડ્રગ્સ રીસીવ કરવામાં આવતું હતું.સલીમ ભારતીય પાસપોર્ટના આધારે દુબઈ ખાતે પણ રહેતો હતો. તે દુબઈ અને કેન્યાના મોબાઈલ નંબર નું પણ ઉપયોગ કરતો હતો.
સલીમ વિરુદ્ધ મુંબઈ, ભોપાલ અને ઇડી સહિત અલગ અલગ જગ્યાએ, 15 થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે.ગુજરાતમાં પણ ડ્રગ્સ ફેક્ટરીમાં તેની સંડોવણીની સામે આવતા તપાસ ચાલી રહી છે.આ ઉપરાંત સલીમ દાઉદ ઈબ્રાહીમના કોન્ટેકમાં હતો કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ