
'સે નો ટુ ડ્રગ્સ' અભિયાન હેઠળ પોલીસની કાર્યવાહી, પ્રભુદર્શન હોલ નજીકથી 2.900 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હોવાનો પોલીસનો દાવો
કચ્છ, 03 નવેમ્બર (હિ.સ.) : પૂર્વ કચ્છમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને ગેરકાયદેસર વેચાણ સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીના ભાગરૂપે આદિપુર પોલીસે મેફેડ્રોન નામના નશીલા પદાર્થ સાથે એક 20 વર્ષીય યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસની આ કાર્યવાહીમાં મેફેડ્રોન ઉપરાંત મોબાઈલ ફોન, ડિજિટલ વજનકાંટો, રોકડ રકમ અને ટુ-વ્હીલર સહિત કુલ રૂ.67,130નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
જિલ્લામાં યુવા પેઢીને નશાના દૂષણથી દૂર રાખવા તેમજ નશીલા પદાર્થોની ખરીદી, વેચાણ અને હેરાફેરી અટકાવવા પોલીસ તંત્ર દ્વારા 'SAY NO TO DRUGS' અભિયાન અંતર્ગત વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે.
આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મેઘપર બોરીચી વિસ્તારમાં ભક્તિધામ સોસાયટીમાં રહેતો નિખીલ માંગીલાલ ગેહલોત પોતાની એક્સેસ ટુ-વ્હીલર લઈને આદિપુરના પ્રભુદર્શન હોલ નજીક મેફેડ્રોન નામનો માદક પદાર્થ લઈને આવવાનો છે. આ પદાર્થ ગેરકાયદેસર વેચાણના હેતુથી પોતાની પાસે રાખ્યો હોવાની માહિતીના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ યુવકને અટકાવી તપાસ કરતાં તેની પાસેથી 2.900 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું. પોલીસે તાત્કાલિક માદક પદાર્થ કબજે કરી યુવકની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપી પાસેથી રૂ.29,000ની કિંમતનું મેફેડ્રોન, રૂ.8,000નો મોબાઈલ ફોન, રૂ.100નો ડિજિટલ વજનકાંટો, રૂ.30 રોકડા અને રૂ.30,000ની કિંમતનું જીજે-12-ડીક્યુ-0683 નંબરનું એક્સેસ વાહન જપ્ત કર્યું છે.
આ મામલે આદિપુર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(C) અને 22(B) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મેફેડ્રોનનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ પ્રકરણમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે સહિતની દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar