
રણની સુંદરતા અને પર્યાવરણની જાળવણી માટે તંત્રનો નિર્ણય : સબરસ બસ સ્ટેશનથી વોચ ટાવર સુધી તથા આસપાસના સફેદ રણ વિસ્તારમાં ખાનગી વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ
કચ્છ, 03 નવેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લો તેની અનોખી ભૌગોલિક રચના અને કુદરતી સૌંદર્યને કારણે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. ખાસ કરીને ધોરડોના સફેદ રણમાં યોજાતો રણ ઉત્સવ પ્રવાસન ક્ષેત્રે કચ્છને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવે છે. દર વર્ષે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત આ ઉત્સવમાં મોટી સંખ્યામાં દેશી અને વિદેશી પ્રવાસીઓ ઉમટી પડે છે. જોકે, પ્રવાસીઓ દ્વારા અજાણતાં સફેદ રણની અંદર ખાનગી વાહનો લઈ જવાની ઘટનાઓ સામે આવતી રહે છે. પરિણામે વાહનો રણની ભીની અને નરમ જમીનમાં ફસાઈ જતાં રેસ્ક્યૂ કામગીરી કરવાની સ્થિતિ ઊભી થાય છે. આ ઉપરાંત વાહનોની અવરજવરથી રણની કુદરતી સુંદરતા, સ્વચ્છતા અને પર્યાવરણને પણ નુકસાન થવાની શક્યતા રહે છે.
આવી પરિસ્થિતિને અટકાવવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જાહેરનામા મુજબ ભુજ તાલુકાના ધોરડો રણ ઉત્સવ વિસ્તારમાં આવેલા સબરસ બસ સ્ટેશનથી વોચ ટાવર સુધીના માર્ગ તથા વોચ ટાવરની આસપાસના સફેદ રણ વિસ્તારમાં ખાનગી વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
જોકે, આ પ્રતિબંધમાંથી સરકારી ફરજ પરનાં વાહનો, ફાયર ફાઈટર, ઇમરજન્સી મેડિકલ સેવાઓ સાથે સંકળાયેલાં વાહનો, મંજૂરી પ્રાપ્ત બસો તેમજ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ, ભુજ અથવા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ભુજ દ્વારા અધિકૃત કરવામાં આવેલાં વાહનોને મુક્તિ આપવામાં આવી છે.
જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. હુકમના અમલ અને ભંગ બદલ કાર્યવાહી માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે. આ જાહેરનામું 30 ડિસેમ્બર 2026 સુધી અમલમાં રહેશે. આમ, રણ ઉત્સવમાં આવતા પ્રવાસીઓએ તંત્રના નિયમોનું પાલન કરી કુદરતની અમૂલ્ય ધરોહર સમાન સફેદ રણની સુંદરતા જાળવવામાં સહયોગ આપવો પડશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar