
ગાંધીધામ તાલુકાના કિડાણા ગામે મોટાપીરની દરગાહ સામે ચાની હોટલ નજીક રાત્રિના સમયે બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણના બનાવમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં બંને પક્ષો વચ્ચે અગાઉના પારિવારિક ઝઘડાની અદાવત હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા વાહનો અને હથિયારો પણ કબજે કર્યા છે.
કચ્છ, 03 નવેમ્બર (હિ.સ.) : પ્રાપ્ત વિગતો અનુસાર, કિડાણા ગામમાં મોટાપીરની દરગાહ સામે આવેલી ચાની હોટલ નજીક રાત્રિના સમયે જૂની પારિવારિક તકરારને લઈને બે જૂથો સામસામે આવી ગયા હતા. બંને પક્ષના લોકોએ જાહેરમાં ગેરકાયદેસર મંડળી રચી ધારીયા, લાકડાના ધોકા અને છરી જેવા હથિયારો સાથે એકબીજા પર હુમલો કર્યો હતો. આ હિંસક અથડામણમાં બંને પક્ષના લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ દરમિયાન જાહેરનામાનો ભંગ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ મામલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ગુનાઓ નોંધાયા હતા.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.વાળાએ આરોપીઓને ઝડપી પાડવા સર્વેલન્સ ટીમને સક્રિય કરી હતી. પોલીસે ઘટનામાં સંડોવાયેલા વાહનોની અવરજવર અંગે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. આ ઉપરાંત હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે બંને ગુનાઓમાં સંડોવાયેલા પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસે પકડેલા આરોપીઓમાં હુશેન ઈશાક ચાવડા (ઉં.વ.24), હુસેન વલીમામદ સોઢા (ઉં.વ.43), અરવિંદ અભુભાઈ કોલી (ઉં.વ.32), જુમા ઉર્ફે કારીયો અબ્દુલ સોઢા (ઉં.વ.25) અને સુલ્તાન હોન સોઢા (ઉં.વ.24)નો સમાવેશ થાય છે.
આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી અંદાજે રૂ.3 લાખની બલેનો કાર, રૂ.8 લાખની નંબર પ્લેટ વગરની કોરપીયો કાર, એક લોખંડનું ધારીયું, એક ધારદાર છરી અને લાકડાનો ધોકો કબજે કરવામાં આવ્યા છે. આમ, બંને વાહનોની અંદાજિત કિંમત જ રૂ.11 લાખ થાય છે.
પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલા કેટલાક આરોપીઓ સામે અગાઉ ચોરી, પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓ નોંધાયેલા છે. હાલ બંને ગુનાઓમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.વાળા, પીએસઆઈ એલ.એન.વાઢીયા, પીએસઆઈ સી.એચ.બડીયાવદશ તથા ગાંધીધામ બી ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar