
પોરબંદર, 03 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના માધવપુર ગામે પરિશ્રમ સ્કૂલના કમ્પાઉન્ડમાં હત્યાના પ્રયાસની ઘટના સામે આવી છે. એક શખ્સ હાથમાં સ્ટીલનો ધારદાર કાતો અને દાતરડું લઈને સ્કૂલમાં ઘસી આવ્યો હતો અને અરૃણભાઈને જાનથી મારી નાખવાના ઇરાદે તેમના ગળાના ભાગે કાતાથી હુમલો કર્યો હતો. આ ઉપરાંત ફરિયાદીની ઓફિસના દરવાજા અને બારીઓમાં તોડફોડ કરી ફરિયાદી તથા સાહેદોને ગાળો ભાંડી હતી.
બનાવ અંગે 112 મારફતે પોલીસને જાણ કરવામાં આવતાં માધવપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ચૌહાણ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક પરિશ્રમ સ્કૂલ ખાતે પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી જ આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ કેશુભાઈ ટીલુભાઈ કેશવાલા (ઉંમર 41, ધંધો નિવૃત્ત), રહે. કુતિયાણા ગામ, થેપડા જાપા,
તા. કુતિયાણા, જિ. પોરબંદર તરીકે થઈ છે.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના તથા રાણાવાવ ડિવિઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ માધવપુર પોલીસે આ કાર્યવાહી કરી હતી.આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ચૌહાણ, પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ગોવિંદભાઈ વાળા અને મહિપાલસિંહ જયંતીભાઈ ગોહિલ જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya