


પોરબંદર, 04 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદરની જનતામાં રહેલી સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટ્ય, ચિત્રકલા, છબીકલા, લોકકલા, શિલ્પકલા વગેરે નવ જેટલી કલાઓને ઉજાગર કરી આ કલાના સાધકોને મંચ પૂરું પાડવા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન પોરબંદર સંસ્થા કાર્યરત છે તેમાં સમયાંતરે જુદી જુદી કલાઓના કાર્યક્રમો યોજવામાં આવે છે તેના ભાગરૂપે તથા શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન તથા પોરબંદર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે નૃત્યની કલાને સ્ટેજ આપવા માટે આંગિકમ ડાન્સ ફેસ્ટ કાર્યક્રમ યોજાયો હતો.
ગાંધી સ્મૃતિ ભવન ચોપાટી ખાતે આયોજિત નૃત્યના આ કાર્યક્રમમાં પોરબંદરના 11 જેટલા કલાગુરુઓના માર્ગદર્શન હેઠળ 150 જેટલા નવોદિત નૃત્ય કલાકારોએ કલાસિકલ, સેમિકલાસિકલ, ફોક, વેસ્ટર્ન, ગરબા, નૃત્ય નાટીકા વગેરે ભારતના તમામ પ્રકારના લોક નૃત્યોને એક જ સ્ટેજ ઉપરથી રજૂ કરી પોરબંદરમાં ઇતિહાસ રચી દીધો હતો.
પોરબંદરમાં નૃત્ય કલાને જીવંત રાખવા નૃત્ય ક્લાસ સંચાલકો સતત મહેનત કરીને બાળકોને તૈયાર કરી રહ્યા છે તેવા તમામ નૃત્ય કલાસ સંચાલકોનું નવરંગ સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
જેમાં સુરભી ક્લાવૃંદના ક્રિષ્નાબેન રાણીગા, ક્લાઝોન એકેડમીના વિજય ઠક્કરાર, તાંડવ નર્તન ઇન્સ્ટિટયૂટના દીર્ઘા ઝાલા, નૂપુર ડાન્સ કલાસીસના કાશ્મિરાબેન સંઘવી, ડીએક્સપ્લોરર ડાન્સ એકેડમીના ભાવિન સીંધવ, ડાન્સ માસ્ટર એકેડમીના ભાર્ગવ વાળા, લાસ્ય તાંડવ એકેડમીના હર્ષા માંડલીયા, ઉત્સવ ડાન્સ એકેડમીના ચાંદની પંડ્યા, લીરબાઈ ગરબા ગ્રુપના સંતોકબેન વિંઝુડા, નવદુર્ગા ગ્રુપના નયનાબેન ચાવડા, સરગમ પર્ફોમિંગ આર્ટના તેજલબેન મારું આ તમામ કલા ગુરુઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણશી ગોરાણિયા, સેક્રેટરી ડૉ. સ્નેહલ જોશી, સંયોજક પરેશકુમાર પુરૂષવાણી, દુષ્યંત પરમાર, ડૉ. નમ્રતા સામાણી અને નવરંગની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિશન દાવડા અને શુભમ સામાણીએ કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya