
પાટણ, 02 માર્ચ (હિ.સ.)ફાગણ સુદ પૂનમે થનારા ચંદ્રગ્રહણને કારણે જૈન તીર્થ શંખેશ્વરમાં જિનાલયો વહેલા માંગલિક કરવાનો નિર્ણય લેવાયો છે. સામાન્ય રીતે રાત્રે 10 વાગ્યે માંગલિક થતું હોય છે, પરંતુ આવતીકાલે સાંજે 6.30 વાગ્યે જ આરતી-મંગળ દીવો ઉતારી માંગલિક કરવામાં આવશે. મુખ્ય પાર્શ્વનાથ પ્રભુ દેરાસર, 108 જિનાલય અને આગમ મંદિર સહિત તમામ જિનાલયોમાં 6.30 પહેલા પૂજા બંધ કરી દેવામાં આવશે.
શંખેશ્વરના શિવમંદિર અને રામજીમંદિર પણ સાંજે 6.30 વાગ્યે માંગલિક કરી દેવાશે. મહંત રાજભારથીબાપુએ આ અંગે માહિતી આપી હતી. જૈન સંસ્થાના વહીવટદારે જણાવ્યું કે ચંદ્રગ્રહણને કારણે દર્શનનો સમય બદલવામાં આવ્યો છે.
ફાગણ સુદ પૂનમે ભારતભરમાંથી હજારો યાત્રિકો શંખેશ્વર દર્શનાર્થે આવે છે. ખાસ કરીને પાલીતાણા શત્રુંજય મહાતીર્થની યાત્રા પૂર્ણ કર્યા બાદ રાજસ્થાન સહિત મુંબઈ, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ભાવિકો અહીં દર્શન કરવા આવે છે. વહેલા માંગલિકને કારણે ભક્તો સમયસર દર્શન-પૂજા કરવા પહોંચી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ