
પાટણ, 02 માર્ચ (હિ.સ.)સિદ્ધપુરમાં હોળીનો તહેવાર અનોખી પરંપરા સાથે ઉજવાય છે. દેશભરમાં જ્યાં દિવાસળી, ઘી કે કેરોસીનથી હોળી પ્રગટાવવામાં આવે છે, ત્યાં અહીં સૂર્યના કિરણોને બિલોરી કાચમાં ઝીલીને હોળી પ્રજ્વલિત કરવામાં આવે છે. 112 વર્ષથી ચાલતી આ પરંપરામાં જોષીઓની ખડકી ખાતે મુખ્ય હોળી પ્રગટાવવામાં આવે છે અને તેના અંગારાઓ શહેરભરમાં વાજતે-ગાજતે લઈ જવાય છે.
પરંપરા મુજબ, સિદ્ધરાજ જયસિંહના સમયથી આ રીત અમલમાં છે. પીતાંબરધારી યુવાનો બપોરે સૂર્યકિરણોને બિલોરી કાચ દ્વારા છાણાંમાં રાખેલા રૂ પર કેન્દ્રિત કરે છે, જેથી અગ્નિ પ્રગટે. સંધ્યાકાળે શુભ મુહૂર્તમાં આ અગ્નિ લાકડાની હોળીમાં પ્રગટાવવામાં આવે છે અને નાના બાળકો પણ ઢોલ-નગારાના તાલે ઉત્સાહપૂર્વક ભાગ લે છે.
જો હોળીના દિવસે આકાશ વાદળછાયું હોય અને સૂર્ય દર્શન ન આપે, તો અરણીના લાકડામાં રૂ મૂકી મંથનથી અગ્નિ પ્રગટાવવામાં આવે છે. ગ્રામ્ય માન્યતા મુજબ હોળીના સળગેલા છાણાં પશુઓ પાસે ફેરવવાથી વર્ષભર તેઓ રોગમુક્ત રહે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ