સ્વામિનારાયણ અક્ષરધામ, નવી દિલ્હીમાં નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી “એક પગ પર સ્થિત” મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
- મહંત સ્વામી મહારાજના પાવન સાન્નિધ્યમાં ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ગાંધીનગર, 26 માર્ચ (હિ.સ.) : વિશ્વપ્રસિદ્ધ સ્વામિનારાયણ અક્ષરધામ, નવી દિલ્હીમાં નીલકંઠ વર્ણીની 108 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો. ભગવાન સ
અક્ષરધામ દિલ્હી


મહંત સ્વામી


અક્ષરધામ


- મહંત સ્વામી મહારાજના પાવન સાન્નિધ્યમાં ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

ગાંધીનગર, 26 માર્ચ (હિ.સ.) : વિશ્વપ્રસિદ્ધ સ્વામિનારાયણ અક્ષરધામ, નવી દિલ્હીમાં નીલકંઠ વર્ણીની 108 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો. ભગવાન સ્વામિનારાયણના બાળ તપસ્વી સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરતી આ મૂર્તિ નીલકંઠ વર્ણીને એક પગ પર ગહન ધ્યાનમગ્ન અવસ્થામાં દર્શાવે છે. બાળ સ્વરૂપે ચાર માસ સુધી નિર્જલ અને નિરન્ન રહીને પુલહાશ્રમમાં કરેલા તપનું આ જીવંત પ્રતિબિંબ છે. માત્ર 11 વર્ષની ઉંમરે શરૂ થયેલી સમગ્ર ભારતભરની તેમની સાત વર્ષની કલ્યાણયાત્રાનું આ દિવ્ય પ્રતિનિધિત્વ છે.

આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન અને પાવન સાન્નિધ્યમાં અતિશય શ્રદ્ધા અને ભવ્યતા સાથે યોજાયો. વૈદિક વિધિઓ અને અનુષ્ઠાનોમાં વિશ્વભરમાંથી આવેલા હજારો હરિભક્તોએ ભાગ લીધો.

પ્રાતઃકાળથી જ અક્ષરધામ પરિસરમાં ભક્તોની વિશાળ ભીડ ઉમટી પડી હતી. પુરુષો, મહિલાઓ અને બાળકો પરંપરાગત વેશભૂષામાં, શ્રદ્ધા અને ઉત્સાહથી ઓતપ્રોત થઈ ઉપસ્થિત રહ્યા. સમગ્ર પરિસર ભજન, વૈદિક મંત્રોચ્ચાર અને સામૂહિક પ્રાર્થનાઓથી ગુંજી ઉઠ્યું.

પ્રાતઃ 6:00 વાગ્યે નીલકંઠ વર્ણીની પ્રતિષ્ઠાના પવિત્ર વિધિઓનો શુભ આરંભ થયો. આ વિધિઓ પ્રાચીન વૈદિક પરંપરાઓ અનુસાર પૂર્ણ શ્રદ્ધા અને પવિત્રતા સાથે સંપન્ન થઈ. ભારત તેમજ વિશ્વના વિવિધ દેશોમાંથી પધારેલા આશરે 300 સંતોએ આ પ્રસંગને પોતાની દિવ્ય ઉપસ્થિતિથી પાવન બનાવ્યો. તેમની સાધના અને ઓજે સમગ્ર કાર્યક્રમની ગૌરવવૃદ્ધિ કરી.

ભક્તો ભાવવિભોર થઈ આ દિવ્ય અનુષ્ઠાનના સાક્ષી બન્યા. સમગ્ર વાતાવરણમાં ફૂલ અને ધૂપની સુગંધ વ્યાપ્ત હતી, જે દરેક ક્ષણને આધ્યાત્મિક અનુભૂતિથી પરિપૂર્ણ કરતી હતી.

વૈરાગ્ય અને આધ્યાત્મિક જાગૃતિનું સ્વરૂપ

108 ફૂટ ઊંચી આ મૂર્તિ શ્રદ્ધા, સંયમ અને આધ્યાત્મિક સાધનાનું શક્તિશાળી સ્વરૂપ છે. નીલકંઠ વર્ણીની બાળાવસ્થામાં સમગ્ર ભારતભરમાં કરેલી તપસ્વી યાત્રા આજે પણ લાખો લોકોને ત્યાગ, નિર્ભયતા અને ભક્તિના આદર્શો માટે પ્રેરણા આપે છે. આ મૂર્તિ આ શાશ્વત મૂલ્યોનું જીવંત પ્રતીક છે.

ભવ્ય ઉજવણી અને ભક્તોની સહભાગિતા

25 અને 26 માર્ચે યોજાયેલા આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં યજ્ઞ, સભાઓ અને મૂર્તિ પ્રતિષ્ઠા સમારોહ મુખ્ય રહ્યા.

25 માર્ચે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વૈશ્વિક શાંતિ યજ્ઞ યોજાયો, જેમાં હજારો ભક્તોએ ભાગ લીધો. શ્વેત કબૂતરોને આકાશમાં મુક્ત કરીને વર્તમાન ખાડી યુદ્ધના વિરામ માટે શાંતિ પ્રાર્થના કરવામાં આવી.

26 માર્ચે મુખ્ય પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ, જેમાં મહંત સ્વામી મહારાજ દ્વારા 108 ફૂટની ઊંચાઈએ વૈદિક વિધિ કરવામાં આવી.

મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને દિવ્યતાથી ઓતપ્રોત બનાવી દીધો. ભક્તોએ તેમના આશીર્વાદ અને માર્ગદર્શનનો લાભ લીધો.

પ્રતિષ્ઠા બાદ પોતાના આશીર્વચનમાં મહંત સ્વામી મહારાજે જણાવ્યું: “આ સૌથી સુંદર મૂર્તિ છે. તે સમગ્ર વિશ્વમાં શાંતિનો પ્રસાર કરશે. જે કોઈ અહીં નીલકંઠ વર્ણીના દર્શન કરવા આવશે, તે સદગુણોની પ્રેરણા મેળવી કલ્યાણને પામશે. આ મૂર્તિ ભક્તોની ભાવનાઓ અને શુભ મનકામનાઓને પણ પૂર્ણ કરશે.”

આ સમગ્ર કાર્યક્રમ સંતો, સેવકો અને ભક્તોના નિઃસ્વાર્થી સેવા ભાવથી અત્યંત સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો. વિશાળ જનસમૂહના સંચાલનથી લઈને અનુષ્ઠાનો અને આતિથ્ય વ્યવસ્થા સુધી, હજારો સેવકોએ સમર્પિત ભાવથી યોગદાન આપ્યું.

એક નવું આધ્યાત્મિક ધામ

આ પ્રતિષ્ઠા સાથે સ્વામિનારાયણ અક્ષરધામ, નવી દિલ્હીએ વૈશ્વિક આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને નૈતિક કેન્દ્ર તરીકે પોતાની ભૂમિકા વધુ મજબૂત બનાવી છે. નીલકંઠ વર્ણીની આ મૂર્તિ આવનારી પેઢીઓને શાંતિ, અનુશાસન, ભક્તિ અને ઉચ્ચ જીવન મૂલ્યો માટે પ્રેરિત કરતી રહેશે.

હિન્દુસ્થાન સમાચાર

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande