
કોલકાતા, 31 માર્ચ (હિ.સ) : ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ 2026 ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. મંગળવારે જાહેર કરાયેલી આ યાદી સાથે, પાર્ટીએ 294 સભ્યોની વિધાનસભામાં 287 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, હવે ફક્ત સાત બેઠકો બાકી છે.
પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા મંજૂરી મળ્યા બાદ જાહેર કરાયેલી આ યાદીમાં કુલ 13 વિધાનસભા મતવિસ્તારોના ઉમેદવારોનો સમાવેશ થાય છે. આમાં સીતાઈ (અનુસૂચિત જાતિ) થી આશુતોષ વર્મા, નાટાબારીથી ગિરિજા શંકર રાય, બગડા (અનુસૂચિત જાતિ) થી સોમા ઠાકુર, મોગરાહટ પૂર્વ (અનુસૂચિત જાતિ) થી ઉત્તમ કુમાર વણિક, ફાલ્ટાથી દેવાંશુ પાંડા, સોનારપુર ઉત્તરથી દેવાશીષ ધાર, ચૌરંગીથી સંતોષ પાઠક, હાવડા દક્ષિણથી શ્યામલ હાટી અને પાંચલાથી રંજન કુમાર પાલનો સમાવેશ થાય છે. વધુમાં, ચાંદીપુરથી ડૉ. પીયૂષ કાંતિ દાસ, ગડબેટાથી પ્રદીપ લોઢા, મેમારીથી માનવ ગુહા અને બારાબાનીથી અરિજિત રાયને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
પાર્ટીએ એક બેઠક પર અગાઉ જાહેર કરેલા ઉમેદવારમાં પણ ફેરફાર કર્યો છે, જેમાં માયનાગુરી (અનુસૂચિત જાતિ) થી દાલિમ રાયને નવા ઉમેદવાર તરીકે નામ આપવામાં આવ્યું છે.
પશ્ચિમ બંગાળમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે. 23 અને 29 એપ્રિલના રોજ બે તબક્કામાં મતદાન થશે, અને 4 મેના રોજ મતગણતરી થશે.
હિન્દુસ્થાન સમાચાર/ઓમ પરાશર/સંતોષ મધુપ/વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ