સણોસરામાં લોકભારતી અધ્યાપન મંદિરમાં, દ્વિતીય વર્ષ તાલીમાર્થીઓનો ભવ્ય દીક્ષાંત સમારોહ યોજાયો.
ભાવનગર,12 એપ્રિલ (હિ.સ.)સણોસરા ખાતે સ્થિત લોકભારતી અધ્યાપન મંદિરમાં દ્વિતીય વર્ષના તાલીમાર્થીઓ માટે ભવ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના ભાવિ ઘડવૈયાઓને તેમની નવી કારકિર્દીની શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવવા આ વિશેષ કાર્યક્રમ યોજાયો
ભાવનગર


ભાવનગર,12 એપ્રિલ (હિ.સ.)સણોસરા ખાતે સ્થિત લોકભારતી અધ્યાપન મંદિરમાં દ્વિતીય વર્ષના તાલીમાર્થીઓ માટે ભવ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના ભાવિ ઘડવૈયાઓને તેમની નવી કારકિર્દીની શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવવા આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉત્સાહભર્યું અને ગૌરવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જાણીતા તબીબ અને લેખક યુનુસભાઈ વીજળીવાળા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કૃતિકાબેન વીજળીવાળા, નલિનભાઈ પંડિત, દેવીબેન પંડિત, ભાવનાબેન પાઠક, સંસ્થાના વડા અરુણભાઈ દવે તથા હસમુખભાઈ દેવમુરારી સહિત સંસ્થાના અન્ય પરિવારજનો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત કોલેજના આચાર્ય જગદીશગિરિ ગોસાઈ દ્વારા મહેમાનોના શાબ્દિક સ્વાગત સાથે થઈ હતી. તેમણે તાલીમાર્થીઓની બે વર્ષની શૈક્ષણિક સફર, તેમની મહેનત અને સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. ખાસ કરીને ડી.એલ.એડ.ના દ્વિતીય વર્ષના ૨૫ તાલીમાર્થીઓએ પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી ઉત્તીર્ણ કરી હોવાનો ગૌરવ વ્યક્ત કર્યો હતો અને નજીકના સમયમાં વિદ્યાસહાયક તરીકે પસંદગી મેળવવાના સંભાવિત અવસર અંગે આનંદ વ્યક્ત કર્યો હતો.

અધ્યાપક કવિતાબેન વ્યાસ દ્વારા તાલીમાર્થીઓની વિવિધ પ્રવૃત્તિઓની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. સાથે સાથે કોલેજના વાર્ષિક અંક “સ્મરણમ મધુરમ”નું મહેમાનોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રથમ વર્ષમાંથી ગાબુ તન્વીબેન, દ્વિતીય વર્ષમાંથી આંબલિયા કૃષાબેન અને સેરઠીયા પ્રિન્સભાઈએ પોતાના અનુભવો અને પ્રતિભાવો રજૂ કર્યા હતા.

પૂર્વ આચાર્ય ભાવનાબેન પાઠક, જી.સી.આર.ટી.ના પૂર્વ નિયામક નલિનભાઈ પંડિત અને અરુણભાઈ દવેએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં સંસ્થાની પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી અને તેને રાજ્યની અગ્રણી શિક્ષક તાલીમ સંસ્થા તરીકેની પ્રતિષ્ઠા જાળવવાની શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્ય અતિથિ ડૉ. યુનુસભાઈ વીજળીવાલાએ પોતાના પ્રેરણાત્મક સંબોધનમાં શિક્ષકની ભૂમિકા વિશે વિગતે સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે “શિક્ષક સમાજનો શિલ્પી છે અને રાષ્ટ્રનિર્માણમાં તેની ભૂમિકા પાયાની છે.” તેમણે તાલીમાર્થીઓને બાળકો પ્રત્યે સંવેદનશીલ રહી તેમના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.

અંતમાં અજયભાઈ પંડ્યાએ કાર્યક્રમની સફળતા માટે સહભાગી બનેલા તમામ તાલીમાર્થીઓ, મહેમાનો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભાવનાત્મક અને પ્રેરણાદાયક માહોલમાં પૂર્ણ થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande