
ભાવનગર,12 એપ્રિલ (હિ.સ.)બોટાદ જિલ્લાના ટાટમ ખાતે આવેલી એલિસ નર્સિંગ કોલેજમાં નર્સિંગ વિદ્યાર્થીઓ માટે એક વિશેષ આરોગ્ય શિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આરોગ્ય ક્ષેત્રના મહત્વપૂર્ણ અને પ્રાયોગિક વિષયો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ વાત એ રહી કે આ પહેલમાં દિવ્યાંગ સ્ટાફ નર્સ સહિત ત્રણ નર્સોએ સક્રિય ભાગ લઈને સમાજ માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, ઇમ્યુનાઇઝેશન શેડ્યૂલ, HPV વેક્સિન અને હેન્ડ વોશિંગ જેવા અગત્યના વિષયો પર સરળ અને સમજણભર્યું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નર્સોએ વિદ્યાર્થીઓને હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં સ્વચ્છતા જાળવવાની સાથે સાથે બાયોમેડિકલ કચરાના યોગ્ય નિકાલની જરૂરીયાત સમજાવી હતી.
ખાસ કરીને ઇમ્યુનાઇઝેશન શેડ્યૂલ વિષય પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને સમયસર રસીકરણ આપવાની પ્રક્રિયા, વિવિધ વયગઠ મુજબ આપવામાં આવતી રસી અને તેની અસર અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. નવજાત શિશુથી લઈને કિશોરાવસ્થાના બાળકો સુધીના રસીકરણ કાર્યક્રમ અંગે સમજાવતાં નર્સોએ જણાવ્યું કે સમયસર આપવામાં આવતી રસી બાળકને જીવલેણ રોગોથી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. HPV વેક્સિન અંગે પણ જાગૃતિ લાવવામાં આવી હતી, જે ખાસ કરીને મહિલાઓના આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે.
હેન્ડ વોશિંગ અંગે પ્રાયોગિક ડેમો દ્વારા યોગ્ય રીતે હાથ ધોવાની પદ્ધતિ શીખવવામાં આવી હતી, જેથી ચેપજન્ય રોગોથી બચી શકાય. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને જાગૃતિનો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રકારના કાર્યક્રમો દ્વારા નર્સિંગ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ વ્યવહારુ જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે, જે તેમના ભવિષ્યના કારકિર્દીમાં અત્યંત ઉપયોગી સાબિત થશે. કાર્યક્રમ અંતે ઉપસ્થિત સૌએ આ પહેલને વખાણી અને આવાં કાર્યક્રમો વધુ યોજાય તેવી આશા વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT