
અમરેલી,02 એપ્રિલ (હિ.સ.)
કુકાવાવ તાલુકાના કોલડા ગામે આવેલ પવિત્ર યાત્રાધામ કોલેશ્વર ધામ ખાતે સંત શ્રી કોલવા ભગતના મંદિરે ચૈત્ર સુદ પૂનમ, એટલે કે હનુમાન જયંતિના પાવન દિવસે ધજા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સમગ્ર ગામમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.
ધજા મહોત્સવના યજમાન તરીકે ભાવેશ પ્રેમજીભાઈ સોરઠીયા અને મુકેશ સોરઠીયા દ્વારા બાવન ગજની ધજા મંદિરે અર્પણ કરવામાં આવી હતી. ભાવેશભાઈના નિવાસ સ્થાનેથી ધજાની વિધિવત પૂજા કરીને વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તો જોડાયા હતા.
કોલેશ્વર ધામ એ ભક્તિ અને શ્રદ્ધાનું અનોખું કેન્દ્ર છે, જ્યાં માન્યતા મુજબ દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવીને સંત શ્રી કોલવા ભગતને દર્શન આપ્યા હતા. આ ધામે અખંડ જ્યોત સ્વરૂપે પ્રભુ બિરાજમાન છે, જેના દર્શન માટે દૂર દૂરથી ભક્તો આવે છે.
કોલવા યુવક મંડળ અને ગામજનોના સહકારથી દર પૂનમે અહીં ધાર્મિક કાર્યક્રમો યોજાય છે, જેમાં બાળકોને બટુક ભોજન પણ કરાવવામાં આવે છે. ધજા મહોત્સવને લઇ સમગ્ર કોલડા ગામમાં ધાર્મિક ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai