
અમરેલી,, 02 એપ્રિલ (હિ.સ.)
ચંડીગઢ ખાતે યોજાયેલી એથ્લેટિક્સ નેશનલ ઓપન રિલે મિક્સ અંડર-20 ચેમ્પિયનશિપ–2025માં ગજેરા કેમ્પસ વિદ્યાસભાની DLSS ખેલાડી નકુમ માર્ગીએ ઐતિહાસિક પ્રદર્શન કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. દેશભરના વિવિધ રાજ્યોમાંથી આવેલા સ્પર્ધકો વચ્ચે 4×400 મીટર રિલે સ્પર્ધામાં ભાગ લઈને માર્ગીબેને કાંસ્ય પદક મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
આ સિદ્ધિથી ગજેરા કેમ્પસ–વિદ્યાસભાનું નામ ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ સ્થાન પર પહોંચ્યું છે. માર્ગીબેનના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી સમગ્ર સંસ્થા તેમજ ગુજરાત રાજ્યમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. સંસ્થાના ટ્રસ્ટ અને મેનેજમેન્ટ દ્વારા માર્ગીબેનનું હાર્દિક સ્વાગત અને અભિનંદન કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે માર્ગીબેને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું પ્રતિનિધિત્વ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સંસ્થામાં ગુણવત્તાસભર શિક્ષણ સાથે રમતગમત માટે નિષ્ણાત કોચિંગ અને પ્રશિક્ષણ મળતા વિદ્યાર્થીઓ સતત નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે.
સંસ્થાના પ્રમુખ વસંત ગજેરા, મેનેજિંગ ટ્રસ્ટી અશોક ગજેરા, મંત્રી ચતુર ખૂંટ, મનસુખ ધાનાણી અને કેમ્પસ ડાયરેક્ટર વસંત પેથાણીએ ખેલાડી, કોચ મિલન વ્યાસ તથા ટ્રેનર્સને અભિનંદન પાઠવી ગૌરવ વ્યક્ત કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai