
દ્વારકા, 02 એપ્રિલ (હિ.સ.) : રાજ્યમાં આવનાર 10 દિવસમાં માવઠાની આગાહી,સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે કરા પડવાની સંભાવના વચ્ચે દ્વારકામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લામાં વરસાદ વરસતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
રાજ્યના હવામાનમાં પલટાની આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થઇ છે. કમોસમી વરસાદથી રસ્તાઓમાં પાણી ફરી વળ્યા છે. જ્યારે હજુ પણ કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા છવાઇ છે.
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ પંથકમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ શિયાળુ પાક પણ ખેતરમાં ખુલ્લો પડેલો છે, ત્યારે કમોસમી વરસાદને કારણે રવિ પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.
આજે 2 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતાં તેની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં પલટાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી આજે અને તે પછીના બે દિવસ એમ કુલ ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહીની સાથે ગાજવીજ અને પવનની ગતિ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને, આજે 21 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ