ઓઝત- 2 ડેમના ગામોના સ્થાનિકોને નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ.
પોરબંદર, 30 એપ્રિલ (હિ.સ.)જૂનાગઢ જિલ્લાના બાદલપુર ગામ પાસે સ્થિત ઓઝત-2 સિંચાઈ યોજનાના દરવાજાઓની જાળવણી અને સમારકામ માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ડેમના કુલ 25 દરવાજાઓ પૈકી 6 દરવાજાની યાંત્રિક કામગીરી હાથ ધરવાની હોવાથી, આગામી
ઓઝત- 2 ડેમના ગામોના સ્થાનિકોને નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ.


પોરબંદર, 30 એપ્રિલ (હિ.સ.)જૂનાગઢ જિલ્લાના બાદલપુર ગામ પાસે સ્થિત ઓઝત-2 સિંચાઈ યોજનાના દરવાજાઓની જાળવણી અને સમારકામ માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ડેમના કુલ 25 દરવાજાઓ પૈકી 6 દરવાજાની યાંત્રિક કામગીરી હાથ ધરવાની હોવાથી, આગામી તારીખ 30 એપ્રિલ, 2026 ના રોજ સવારે 06:00 વાગ્યાથી ડેમમાંથી ઓઝત નદીમાં પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ડેમની કુલ વહન ક્ષમતાના આશરે 10 % (દસમાં ભાગનું) જેટલું પાણી નદીમાં વહેતું કરવામાં આવશે, જેના કારણે નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે.

આ પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના નદીકાંઠાના વિસ્તારોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ખાસ કરીને કુતિયાણા તાલુકાના મૈયારી અને અમીપુર ગામ તેમજ પોરબંદર તાલુકાના બળેજ, રતિયા, નવીબંદર, ચીકાસા, ગરેજ, ઊંટડા, કડછ, પાતા અને માધવપુર સહિતના ગામોના રહીશોએ વિશેષ સાવચેતી રાખવી અનિવાર્ય છે. પોરબંદર ડિઝાસ્ટર મામલતદાર અંકુર લડાણી દ્વારા અસરગ્રસ્ત ગામોના સ્થાનિકોને અપીલ કરવામાં આવી છે કે પાણી છોડવાના સમયગાળા દરમિયાન કોઈ પણ વ્યક્તિએ નદીના પટમાં અવરજવર કરવી નહીં.

વધુમાં, ખેડૂતો અને પશુપાલકોને ખાસ સૂચના આપવામાં આવે છે કે તેઓએ પોતાના ઢોર-ઢાંખરને નદીના વિસ્તારમાં લઈ જવા નહીં, જેથી કોઈ જાનહાનિ કે પશુહાનિ ન થાય. નદીકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોએ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું અને સુરક્ષિત રહેવું. આ કામગીરી ડેમની મજબૂતી અને ભવિષ્યની સલામતી માટે જરૂરી હોવાથી નાગરિકોનો સહકાર અપેક્ષિત છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande