


પોરબંદર, 30 એપ્રિલ (હિ.સ.)પોરબંદર શહેરમાં ચાલી રહેલા વિકાસકાર્યોને વધુ ગતિ અને ગુણવત્તા આપવા માટે મહાનગરપાલિકાના મ્યુનિસીપલ કમિશનર હસમુખ જે. પ્રજાપતિએ કર્મચારી સોસાયટી, ખાપટ તથા કસ્તુરબા ગાંધી સ્કૂલ નજીકના વિસ્તારોમાં ચાલી રહેલા કામોની સ્થળ મુલાકાત લીધી હતી.
હાલ ઉનાળાના કાળઝાળ તાપમાન અને હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને કમિશનરએ સ્થળ પર હાજર અધિકારીઓ અને કોન્ટ્રાકટરોને ખાસ સૂચનાઓ આપી હતી. તેમણે કામદારોના આરોગ્ય અને સલામતીને પ્રાથમિકતા આપતા જણાવ્યું હતું કે, તડકામાં કાર્યરત મજૂરો માટે છાશ, લીંબુપાણી અને ગ્લુકોઝ પાણી જેવી ઠંડક આપતી પદાર્થોની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવી, સાથે જ કામદારોને આરામ માટે સમયાંતરે વિરામ આપવામાં આવે અને છાંયડાની વ્યવસ્થા પણ રાખવામાં આવે તે અંગે પણ ભાર મૂકાયો હતો. સ્થળ પર હાલમાં બોક્સ કટીંગ અને રોડ મેટલિંગના કામો ચાલી રહ્યા છે. કમિશનરએ કામની પ્રક્રિયાની સમીક્ષા કરી હતી, તેમણે કામની ગતિ સાથે ગુણવત્તા જળવાઈ રહે તે માટે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. આ પ્રસંગે બાંધકામ વિભાગના સિટી એન્જિનિયર જયદીપસિંહ રાણા અને વોર્ડ એન્જિનિયર રાહુલભાઈ પણ હાજર રહ્યા હતા. તેમણે એજન્સી અને કોન્ટ્રાકટરને રોડ નિર્માણમાં ગુણવત્તાના ધોરણોનું કડક પાલન કરવા નિર્દેશ આપ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસકાર્યોને સમયસર પૂર્ણ કરવા સાથે નાગરિકોને ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ કામદારોની સુરક્ષા અને આરોગ્યનું સંરક્ષણ પણ તેટલું જ મહત્વનું હોવાનું જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya