દમણમાં ચોર ટોળકીનો આતંક: વૃદ્ધા પર હુમલો કરી બંગડી ખેંચવાનો પ્રયાસ,સી.સી.ટી.વી વાયરલ
દમણ, 11 મે (હિ.સ.) : દમણના મોટી વાંકડ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરોનો આતંક સતત વધી રહ્યો છે. ગત રાત્રે અઢી વાગ્યાના અરસામાં સ્કૂલ ફળીયામાં આવેલ એક મકાનને નિશાન બનાવી બે તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા અને વૃદ્ધ મહિલાના હાથમાંથી સોનાની બંગડી લૂંટવ
મોટી વાંકડમાં વૃદ્ધા પર હુમલો કરી બંગડી લૂંટનો પ્રયાસ કરનાર શખ્સ CCTVમાં કેદ, વૃદ્ધા ઇજાગ્રસ્ત.


દમણ, 11 મે (હિ.સ.) : દમણના મોટી વાંકડ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરોનો આતંક સતત વધી રહ્યો છે. ગત રાત્રે અઢી વાગ્યાના અરસામાં સ્કૂલ ફળીયામાં આવેલ એક મકાનને નિશાન બનાવી બે તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા અને વૃદ્ધ મહિલાના હાથમાંથી સોનાની બંગડી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં વૃદ્ધ મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.

માહિતી મુજબ, ઘટનાના સમયે ઘરમાં માત્ર વૃદ્ધ મહિલા અને તેમની વહુ હાજર હતા. તસ્કરોએ પહેલા મકાનની રેકી કરી હતી અને ત્યારબાદ બારીની લોખંડની ગ્રિલ કાપીને અંદર પ્રવેશ કર્યો હતો. ઘરમાં ઘૂસ્યા બાદ ચોરોએ કબાટ તેમજ ઘરનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. જોકે, તેમને કોઈ કિંમતી વસ્તુ હાથ લાગી નહોતી. અંતે તેઓએ વૃદ્ધાના હાથમાં રહેલી સોનાની બંગડી લૂંટવાનો પ્રયાસ કર્યો, જેમાં વૃદ્ધાને ઇજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના ઘરની બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં તસ્કરો શંકાસ્પદ હાલતમાં મકાનોની આસપાસ ફરતા અને તકની રાહ જોતા નજરે પડે છે. ગામલોકોના જણાવ્યા મુજબ, છેલ્લા એક સપ્તાહથી 7 થી 8 જેટલા તસ્કરોની ટોળકી વિસ્તારમાં સક્રિય બની છે અને વારંવાર ચોરીના પ્રયાસો કરી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ઘટના પહેલા પણ છેલ્લા બે-ત્રણ દિવસમાં અન્ય બે થી ત્રણ ઘરોમાં ચોરીના નિષ્ફળ પ્રયાસો થઈ ચૂક્યા છે. સતત બની રહેલી આ ઘટનાઓને કારણે સમગ્ર વાંકંડ વિસ્તારમાં ભય અને રોષનો માહોલ સર્જાયો છે.

ચોરીના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને ગામલોકોએ તાત્કાલિક મીટિંગ યોજી હતી. સુરક્ષા માટે સ્થાનિકોની એક ટીમ પણ બનાવવામાં આવી છે. આ ટીમ દ્વારા ગ્રામ પંચાયત, ભીમપોર પોલીસ આઉટપોસ્ટ તેમજ જિલ્લા પંચાયતના સભ્યોને આવેદનપત્ર આપી વિસ્તારમાં સઘન પોલીસ પેટ્રોલિંગ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે. એક તરફ પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગના દાવા કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ તસ્કરો બેફિકર બનીને સતત ઘરોને નિશાન બનાવી રહ્યા છે. જેના કારણે હવે સ્થાનિકો પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે અને CCTV ફૂટેજના આધારે આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવાની માંગ કરી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande