ભાવનગરના કરજાળા પાસે ગમખ્વાર અકસ્માત : આઈસરની ટક્કરે સાસુ અને જમાઈના ઘટનાસ્થળે મોત
ભાવનગર, 11 મે (હિ.સ.) : જેસર તાલુકાના કરજાળા ગામ નજીક આજે એક દુઃખદ માર્ગ અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પૂરઝડપે આવી રહેલા એક આઈસર વાહને બાઈક સવાર બે લોકોને અડફેટે લેતા સાસુ અને જમાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ
ભાવનગર


ભાવનગર, 11 મે (હિ.સ.) : જેસર તાલુકાના કરજાળા ગામ નજીક આજે એક દુઃખદ માર્ગ અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પૂરઝડપે આવી રહેલા એક આઈસર વાહને બાઈક સવાર બે લોકોને અડફેટે લેતા સાસુ અને જમાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કરના જોરથી બંને લોકો રોડ પર દૂર સુધી ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓના કારણે તેમનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, બાઈક પર સવાર સાસુ અને જમાઈ પોતાના કામસર જઈ રહ્યા હતા ત્યારે કરજાળા ગામ પાસે પાછળથી ઝડપભેર આવી રહેલા આઈસર વાહને તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જાતા આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇમરજન્સી સેવા તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે ગંભીર ઈજાઓને કારણે બંનેએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. અકસ્માતના પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. લોકોનું કહેવું છે કે આ માર્ગ પર ભારે વાહનોની બેદરકાર અને ઝડપભેર અવરજવર સતત વધતી જઈ રહી છે, જેના કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. અકસ્માત બાદ આઈસર ચાલક વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે વાહન કબ્જે લઈ ચાલકની શોધખોળ હાથ ધરી છે.

એક જ પરિવારના બે સભ્યોના એકસાથે થયેલા મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને મૃતકોને ઓળખતા લોકો મોટી સંખ્યામાં તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande