હોર્મુઝમાં હાલમાં શાંતિની આશા નથી, યુદ્ધ ટાળવાના પ્રયાસોને ફટકો
વોશિંગ્ટન/તેહરાન, નવી દિલ્હી, 11 મે (હિ.સ.) આ વર્ષે ફેબ્રુઆરીના અંતથી અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝ જલડમરુમધ્ય પર છેડાયેલી તકરાર વધુ તેજ થવાની શક્યતા વધી ગઈ છે. યુદ્ધ ટાળવા અને તણાવ ઓછો કરવાના તાજેતરના રાજદ્વારી પ્રયાસોને ફટકો પડ્યો છે. અમેરિકી રા
ઈરાનની રાજધાનીમાં લગાવેલું પોસ્ટર


વોશિંગ્ટન/તેહરાન, નવી દિલ્હી, 11 મે (હિ.સ.) આ વર્ષે ફેબ્રુઆરીના અંતથી અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝ જલડમરુમધ્ય પર છેડાયેલી તકરાર વધુ તેજ થવાની શક્યતા વધી ગઈ છે. યુદ્ધ ટાળવા અને તણાવ ઓછો કરવાના તાજેતરના રાજદ્વારી પ્રયાસોને ફટકો પડ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટનના શાંતિ પ્રસ્તાવ પર ઈરાનની પ્રતિક્રિયાને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવી છે. ઈરાની સેનાએ અમેરિકા અને ઈઝરાયેલને ચેતવણી આપી છે કે જો આક્રમકતા ફરી શરૂ થશે, તો બંને દેશોએ ચોક્કસપણે કલ્પના બહારના પડકારોનો સામનો કરવો પડશે.

અલ જઝીરા અને સીબીએસ ન્યૂઝના અહેવાલોમાં આ ઘટનાક્રમ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. ટ્રમ્પે યુદ્ધ ખતમ કરવા માટે ઈરાનના તાજેતરના પ્રસ્તાવને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. ઈરાને તેના જવાબમાં કહ્યું કે, તે સંઘર્ષ રોકવા માટે તૈયાર છે, પરંતુ શરત એ છે કે, અમેરિકા નૌકાદળની નાકાબંધી તાત્કાલિક હટાવે, પ્રતિબંધો નાબૂદ કરે અને પરમાણુ કાર્યક્રમ તથા વિદેશ નીતિમાં દખલ ન કરે. આમાંના કેટલાક એવા મુદ્દાઓ છે, જેનો ઉલ્લેખ વોશિંગ્ટને આ યુદ્ધ શરૂ કરવા માટે કર્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા આવું ક્યારેય નહીં કરે. એ વાત કોઈનાથી છૂપી નથી કે ઈરાન દુનિયાની 12મી કે 13મી પરમાણુ શક્તિ બનવાની મહત્વકાંક્ષા રાખે છે. તેની પાસે ઈઝરાયેલ વિરુદ્ધ આક્રમક અભિયાન ચલાવવાની ક્ષમતા પણ છે. અમેરિકા હમાસ અને હિઝબુલ્લાહ જેવા આતંકવાદી સંગઠનો માટે ઈરાનના સમર્થનને પણ ખતમ કરવા માંગે છે. બંને દેશો વચ્ચે એવા કેટલાક મહત્વના મુદ્દાઓ છે, જે શાંતિના માર્ગમાં પથ્થર બનીને ઉભા છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, મેં હમણાં જ ઈરાનના કહેવાતા પ્રતિનિધિઓની પ્રતિક્રિયા વાંચી છે. મને તે પસંદ નથી આવી. આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે! તેમણે બીજી પોસ્ટમાં કહ્યું, ઈરાન છેલ્લા 47 વર્ષથી અમેરિકા અને બાકીની દુનિયા સાથે રમત રમી રહ્યું છે. ઓબામા સરકારે 2015 માં એક કરાર કર્યો હતો, જેનો હેતુ ઈરાનના પરમાણુ કાર્યક્રમને મર્યાદિત કરવાનો હતો. મેં મારા પ્રથમ કાર્યકાળમાં આ કરારને મંજૂરી આપી નહોતી. તાજેતરમાં ઈરાને 42,000 નિર્દોષ અને નિહત્થા પ્રદર્શનકારીઓને ખતમ કરી દીધા. તેઓ આપણા પર હસી રહ્યા છે. તેઓ હવે વધુ હસી શકશે નહીં.

ઈરાને હોર્મુઝ જલડમરુમધ્યમાં ફ્રેન્ચ-બ્રિટિશ પ્રયાસો સામે પણ ચેતવણી આપી છે. ઈરાનના નાયબ વિદેશ મંત્રીએ કહ્યું કે, હોર્મુઝમાં અમેરિકાની ગેરકાયદેસર કાર્યવાહીને સાથ આપવા બદલ સશસ્ત્ર દળો નિર્ણાયક અને તાત્કાલિક જવાબ આપશે. ત્યારબાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું કે આ કોઈ સૈન્ય તૈનાતી નહીં હોય, પરંતુ એક આંતરરાષ્ટ્રીય મિશન હશે જેનો હેતુ સ્થિતિ સુધરતા જહાજોની અવરજવરને સુરક્ષિત કરવાનો હશે. બ્રિટિશ રોયલ નેવીએ જણાવ્યું કે, એચએમએસ ડ્રેગનને આ અઠવાડિયે મધ્ય પૂર્વમાં તૈનાત કરવામાં આવશે. એચએમએસ ડ્રેગન બ્રિટિશ રોયલ નેવીનું વિનાશક યુદ્ધજહાજ છે. તેને ખાસ કરીને વિમાનો અને મિસાઇલો જેવા હવાઈ જોખમો સામે સુરક્ષા પૂરી પાડવા માટે બનાવવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande